<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

એલોન મસ્ક બન્યા 'માથાનો દુખાવો'! ટેક્સાસના પાડોશીઓનો આક્રોશ : "નથી જોઈતો અમને આવો પાડોશી, ઘર સુરક્ષા જેલ બની ગયું છે!"

ડ્રોન ઉડાવવા, ૨૪×૭ સુરક્ષાનો જમાવડો, ૧૬ ફૂટ ઊંચી વાડ અને નગ્નતાના આરોપો : ટેસ્લા - સ્પેસએક્સના માલિકથી ત્રસ્ત સ્થાનિકોએ ઝોનિંગ કમિશનમાં કરી ડઝનબંધ ફરિયાદો : નિયમો બધા માટે સમાન હોવાની માંગ

ટેક્સાસ: ટેકનોલોજીની દુનિયાના 'ભગવાન' ગણાતા એલોન મસ્ક વાસ્તવિક જીવનમાં તેમના પાડોશીઓ માટે 'રાક્ષસ' સાબિત થઈ રહ્યા છે! અમેરિકાના ટેક્સાસ રાજ્યના વેસ્ટ લેક હિલ્સમાં રહેતા કેટલાક લોકો માટે, એલોન મસ્કનું આ પડોશમાં આગમન સ્વપ્ન નહીં, પણ એક કડવો માથાનો દુખાવો બની ગયું છે. જ્યારે પ્રખ્યાત ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અહીં એક વૈભવી ઘરમાં રહેવા આવ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ શેરીઓમાં ડ્રોન ઉડશે, દરવાજા માટે પોલીસ બોલાવવામાં આવશે અને પાડોશી પર નગ્નતાના આરોપોનો સામનો કરવો પડશે. સ્થાનિકો ભારે નારાજ છે કે તેમના ઘરની આસપાસનો વિસ્તાર એક ઉચ્ચ સુરક્ષા જેલ જેવો બની ગયો છે.
નિયમોનો ભંગ અને પાડોશીઓનો ક્રોધ
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મસ્કના કર્મચારીઓએ તેમના ઘરની આસપાસ ૧૬ ફૂટ ઊંચી જાળીની વાડ ઉભી કરી. સ્થાનિક નિયમો અનુસાર, ૬ ફૂટથી વધુ ઊંચાઈની વાડ બાંધવાની મંજૂરી નથી. ત્યારબાદ મેટલ ગેટ, રસ્તાના કિનારે પાર્ક કરેલા અસંખ્ય વાહનો, ૨૪×૭ સુરક્ષા ગાર્ડ અને સર્વત્ર સીસીટીવી કેમેરાનો જમાવડો થયો.
આ વિસ્તારના પાડોશીઓ આ બધી બાબતોથી ભારે નારાજ છે. તેમનું કહેવું છે કે, મસ્કનું ઘર એક ઉચ્ચ સુરક્ષા જેલ જેવું બની ગયું છે, જ્યાં વાહનો હંમેશા આવે છે અને જાય છે અને દરવાજો દિવસ-રાત ખુલતો અને બંધ થતો રહે છે, જેનાથી તેમની શાંતિ ભંગ થઈ રહી છે.
"નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ!" - ઝોનિંગ કમિશનનો સ્પષ્ટ ઇનકાર
સ્થાનિક ઝોનિંગ અને આયોજન પંચને આ મુદ્દે ડઝનબંધ ફરિયાદો મળી છે. મુખ્ય ફરિયાદી પોલ હેમરભાઈએ લખ્યું, "રસ્તાઓ તેમના સ્ટાફ માટે પાર્કિંગ નથી. લોન્ડ્રીથી લઈને ખોરાક સુધી બધું જ અન્ય ઘરોમાંથી લઈ જવામાં આવી રહ્યું છે." મસ્કની ટીમે હવે આ ગેરકાયદે બાંધકામો માટે પૂર્વવર્તી પરવાનગી માટે અપીલ કરી હતી, પરંતુ ઝોનિંગ કમિશને સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એક કમિશનરે કડક શબ્દોમાં કહ્યું, "જો મસ્કને છૂટ આપવામાં આવશે, તો દરેક વ્યક્તિ નિયમો તોડવાનું શરૂ કરશે."
સુરક્ષાનો મુદ્દો કે વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ?
મસ્કનું ઘર ઢોળાવ પર આવેલું છે, જ્યાંથી સુરક્ષા પૂરી પાડવી પડકારજનક છે, તેથી તેઓ દલીલ કરે છે કે દરવાજા અને વાડ જરૂરી છે. પરંતુ પાડોશીઓ કહે છે કે મસ્ક અને તેમની ટીમ ક્યારેય પોતાનો પરિચય આપતા નથી. જ્યારે મસ્ક ઘરે ન હોય ત્યારે પણ બધું શાંત હોય છે. પરંતુ મસ્ક વોશિંગ્ટનથી પાછા ફરતાની સાથે જ આખો વિસ્તાર હાઇ એલર્ટ મોડમાં આવી જાય છે. એક સ્થાનિક રહેવાસીના મતે, "જો સુરક્ષા આટલી મોટી પ્રાથમિકતા હોત, તો કદાચ આ ઘર યોગ્ય ન હોત."
આ તણાવની ટોચ ત્યારે આવી જ્યારે હેમરભાઈએ મસ્કના ઘર પર ડ્રોન ઉડાવવાનું શરૂ કર્યું. જવાબમાં, મસ્કની ટીમે પોલીસને ફરિયાદ કરી કે હેમરભાઈ એક વખત રસ્તા પર નગ્ન ઉભા હતા! જેના પર હેમરભાઈએ સ્પષ્ટતા કરી કે તે તેમના ઘરમાં હતા અને કાળા અન્ડરવેર પહેર્યા હતા. "જ્યારે હું કૂતરાને લઈ જઈ રહ્યો હતો અને પેશાબ કરવા માટે રોકાયો હતો, ત્યારે મસ્કના કેમેરાએ મને રેકોર્ડ કર્યો," હેમરભાઈએ આરોપ લગાવ્યો, "કોઈ બેઠેલું અને મને પેશાબ કરતા જોઈ રહ્યું હતું તે ડરામણી છે."
હવે આ મામલો શહેરની આયોજન પરિષદ પાસે છે. શું થાય છે અને એલોન મસ્ક અને તેમના પાડોશીઓ વચ્ચેનો આ વિવાદ કઈ દિશા લે છે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.

(7:44 PM IST)