<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

વેપારીએ ઓનલાઇન ગેમિંગ સ્‍કેમમાં ૨.૭૪ કરોડ ગુમાવ્‍યા

અઢી વર્ષ ૪૫૦થી વધુ ટ્રાન્‍ઝેક્‍શનમાં તેણે પૈસા જમા કરાવ્‍યા હતા. એની સામે ૫.૧૦ કરોડ રૂપિયાનો નફો દેખાડવામાં આવ્‍યો હતો. આ રકમ પાછી કાઢવા જતાં છેતરપિંડીની ખુલાસો થયો : ડિસેમ્‍બર ૨૦૨૨થી મે ૨૦૨૫ દરમ્‍યાન એક કહેવાતા ગેમિંગ પ્‍લેટફોર્મની ઓનલાઇન વેબસાઇટ પર વેપારી ઓનલાઇન ગેમ રમ્‍યો હતો

 

 

નવી મુંબઈ,તા.૨૪: નવી મુંબઈના કોપરખૈરણેમાં રહેતા અને કન્‍સ્‍ટ્રક્‍શન મટીરિયલનો વ્‍યવસાય કરતા ૪૨ વર્ષના વેપારીએ ઓનલાઇન ગેમિંગ પ્‍લેટફોર્મ પર ગેમ રમીને ટૂંક સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં ૨.૭૪ કરોડ રૂપિયા સાઇબર ફ્રોડમાં ગુમાવ્‍યા હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્‍ટેશનમાં બુધવારે નોંધાઈ હતી. ડિસેમ્‍બર ૨૦૨૨થી મે ૨૦૨૫ દરમ્‍યાન એક કહેવાતા ગેમિંગ પ્‍લેટફોર્મની ઓનલાઇન વેબસાઇટ પર વેપારી ઓનલાઇન ગેમ રમ્‍યો હતો જેમાં મોટા નફાની લાલચમાં આશરે અઢી વર્ષ ૪૫૦થી વધુ ટ્રાન્‍ઝેક્‍શનમાં તેણે પૈસા જમા કરાવ્‍યા હતા. એની સામે ૫.૧૦ કરોડ રૂપિયાનો નફો દેખાડવામાં આવ્‍યો હતો. આ રકમ પાછી કાઢવા જતાં છેતરપિંડીની ખુલાસો થયો હતો.

નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્‍ટેશનના પોલીસ-ઇન્‍સ્‍પેક્‍ટર વિશાલ પાટીલે કહ્યું હતું કે ‘ડિસેમ્‍બર ૨૦૨૨માં ફરિયાદીને તેના એક મિત્રએ SAT Sports નામે વોટ્‍સએપ પર લિન્‍ક મોકલી હતી જેમાં ઓનલાઇન ગેમિંગ રમીને પૈસા કમાવા માટેની માહિતી આપવામાં આવી હતી. એ લિન્‍ક પર ક્‍લિક કરતાં એક વેબસાઇટ ખૂલી હતી જેમાં વેપારીએ રજિટ્રેશન કરાવી દીધું હતું. ત્‍યાર બાદ વેબસાઇટ પર વિવિધ ગેમિંગમાં ફરિયાદી ભાગ લેતો હતો જેની સામે તે અલગ-અલગ QR કોડ મારફત પૈસા પણ મોકલતો હતો. શરૂઆતના દિવસોમાં કસીનો ગેમમાં વેપારીએ જીતેલા પૈસા પાછા પણ મોકલવામાં આવ્‍યા હતા. એ જોઈને વેપારીને વધારે લાલચ લાગી હતી. ત્‍યાર બાદ આશરે અઢી વર્ષમાં વેપારી ૩.૨૪ કરોડ રૂપિયાનો ગેમિંગ વેબસાઇટ પર જુગાર રમ્‍યો હતો, જેની સામે ૫.૧૦ કરોડ રૂપિયાનો પ્રોફિટ બતાવવામાં આવ્‍યો હતો. આ જમા રકમમાંથી પૈસા કાઢવા જતાં માત્ર ૫૦ લાખ રૂપિયા નીકળ્‍યા હતા, બાકીના પૈસા નીકળ્‍યા નહોતા. અંતે પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં અમે વધુ તપાસ કરતાં આ ફ્રોડ ભારતની બહારથી કરવામાં આવ્‍યું હોય એવી પ્રાથમિક માહિતી અમારી સામે આવી છે.(૪૦.૭)

(9:47 AM IST)