News of Saturday, 24th May 2025
આઈટી રિટર્ન ભરવા આધારકાર્ડ ફરજિયાતઃ તેના વગર રિટર્ન નહીં ભરાય
પહેલા આધારકાર્ડ નંબર વિના પણ રિટર્ન ભરી શકાતા હતા : ચાલુ વર્ષે ભરવામાં આવનાર આઈટી રિટર્નમાં નિયમ અમલી કરવામાં આવ્યો

મુંબઈ,તા.૨૪: આઈટી રિટર્ન ભરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે આધારકાર્ડ વિના આઈટી રિટર્ન નહીં ભરાય તેવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે વર્ષ ૨૦૨૪-૨૫ના આઇટી રિટર્ન ભરવા માટે આધારકાર્ડ નંબર લખવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તે નંબર આપ્યા વિના હવેથી આઇટી રિટર્ન ભરી નહીં શકાય તેવી જોગવાઇ લાગુ કરી દેવામાં આવી છે.
ઈન્કમટેકસ વિભાગને કરદાતાઓની તમામ વિગતો ઓનલાઇ ન જ મળી રહે તે માટેની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. તેને ધ્યાને રાખીને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટેનો નિયમ પણ અમલી કરવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ પણ કેટલાક લોકો આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કર્યા નહીં હોવાના લીધે ચાલુ વર્ષે ભરવામાં આવનાર આઈટી રિટર્નમાં આધારકાર્ડ રજૂ નહીં કરનાર કરદાતાનું આઇટી રિટર્ન જ ભરાશે નહીં તેવો નિયમ અમલમાં કરી દેવામાં આવ્યો છે. આ નિયમ અમલી કરવાનું બીજું કારણ એવું પણ છે કે વખતો વખત આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટે કરદાતાને અનેક વખત મુદત આપવામાં આવી હોવા છતાં તેમાં કેટલાક લોકો આળસ દાખવી રહ્યા છે. તેના લીધે તમામ કરદાતા ફરજિયાત આધારકાર્ડની સાથે પાનકાર્ડ લિંક કરાવે તેને ધ્યાને રાખીને પણ આ નિયમ અમલમાં મુકવામાં આવ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.
પહેલા આઈટી રિટર્ન ભરવામાં આવતા હતા ત્યારે આધારકાર્ડ નંબર નાંખ્યા વિના પણ કરદાતા પોતાનું આઇટી રિટર્ન સરળતાથી ભરી શકતા હોવાના લીધે કેટલાક લોકો આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવતા નહોતા. જયારે રિટર્ન જ ભરી નહીં શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાના લીધે તેઓ રિટર્ન જ ભરી નહીં શકે તો તાત્કાલિક આધારકાર્ડની સાથે પાનકાર્ડ લિંક કરાવવાની પ્રક્રિયા પુરી કરી શકે તેના કારણે પણ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.(૪૦.૬)
રિટર્ન ભરતી વખતે આ બાબતો પણ ધ્યાન રાખવી પડશે
એક લાખ રૂપિયા કરતા વધારે ! વીજબિલ આવતું હોય તો પણ રિટર્ન ફાઇલ કરવું પડશે. વિદેશ યાત્રા પાછળ બે લાખ અને તેના કરતા વધુ ખર્ચ કર્યો હશે તો પણ રિટર્ન ભરવું પડશે. ખેતીની આવક રિટનમાં પાંચ લાખ રૂપિયા કરતા વધુ દર્શાવવામાં આવે તેવા કિસ્સામાં જમીની વિગતો જેવી કે કયા જિલ્લામાં આવેલી છે. જમીનની માલિકી કોની છે. જમીન જ્યાં આવેલી છે તેનો પીનકોડ સહિતના પુરાવા રજુ કરવા પડશે. આ ઉપરાંત જીએસટીમાં દર્શાવવામાં આવેલા રિટનની વિગતો પણ આઇટી રિટનમાં બતાવવી પડશે
આધારકાર્ડ કઢાવવા માટેના એનરોલમેન્ટ નંબર હવે નહીં ચાલે
આઇટી રિટર્ન ભરવા માટે પહેલા આધારકાર્ડ કઢાવવા માટેની કાર્યવાહી કરી હોય અને તેના માટે એનરોલમેન્ટ નંબર આપવામાં આવતો હતો. તે નંબરના આધારે પણ રિટર્ન ફાઇલ કરી શકાતું હતુ. પરંતુ ચાલુ વર્ષથી આધારકાર્ડ નંબર ફરજિયાત હશે તો જ આઇટી રિટર્ન ભરી શકવાની વ્યવસ્થા કરી દીધી છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
