તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Saturday, 24th May 2025
હવે ટ્રમ્પની સેમસંગને ધમકી : ભારતમાં નહી, અમેરિકામાં સ્માર્ટફોન બનાવો
ફકત એપલ જ નહિ અમેરિકામાં ફોન વેચતી કોઇપણ કંપની પર લાગુ થશે : ટ્રમ્પની સ્પષ્ટતા

વોશીંગ્ટન, તા.૨૪: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઇફોન નિર્માતા એપલ તેમજ સેમસંગને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો આ કંપનીઓ અમેરિકામાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન નહીં કરે, તો તેમને ૨૫% આયાત ડ્યુટી (ટેરિફ)નો સામનો કરવો પડશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું, ‘આ ફક્ત એપલ પૂરતું મર્યાદિત નથી. આ સેમસંગ અને અમેરિકામાં ફોન વેચતી કોઈપણ કંપની પર લાગુ થશે. જો તેઓ અમેરિકામાં ફેક્ટરી સ્થાપશે, તો કોઈ ટેરિફ નહીં હોય. પરંતુ જો તેઓ નહીં કરે, તો ૨૫% ટેક્સ ચૂકવવો પડશે. નહીં તો તે વાજબી રહેશે નહીં.' ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, ‘મેં પહેલાથી જ એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું છે કે અમેરિકામાં વેચાતા આઈફોન અહીં બનાવવા જોઈએ. ભારતમાં કે અન્ય કોઈ દેશમાં નહીં. જો આવું નહીં થાય, તો એપલને અમેરિકામાં ઓછામાં ઓછો ૨૫% ટેક્સ ચૂકવવો પડશે.' પોસ્ટ પછી તરત જ એપલના શેર ૨.૬% ઘટયા, જેનાથી કંપનીનું $70 બિલિયનનું માર્કેટ કેપ ધોવાઈ ગયું.
એપલ હાલમાં તેના આઇફોન ઉત્પાદનને ચીનથી ભારતમાં ખસેડી રહી છે. તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે યુએસમાં વેચાતા મોટાભાગના આઇફોનનો ‘મૂળ દેશ' હવે ચીન નહીં પણ ભારત હશે. યુએસ-ચીન વેપાર યુદ્ધની પળષ્ઠભૂમિમાં આ એક વ્યૂહાત્મક પગલું હતું.
સેમસંગની સ્થિતિ થોડી અલગ છે. કંપનીએ ૨૦૧૯ માં ચીનમાં તેનો છેલ્લો ફોન ઉત્પાદન પ્લાન્ટ બંધ કરી દીધો હતો. હાલમાં, સેમસંગ સ્માર્ટફોન ભારત, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને બ્રાઝિલમાં બનાવવામાં આવે છે. સેમસંગ ચીન પર નિર્ભર નથી, છતાં ટ્રમ્પના મતે, ફક્ત યુએસમાં ઉત્પાદન કરતી કંપનીઓને જ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
