<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ગુજરાતમાં ૭૫ લાખ ટન આસપાસ મગફળીના ઉત્‍પાદનની શકયતા

ગયા વર્ષે ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૬૦ લાખ ટન મગફળીનું ઉત્‍પાદન થયું હતું : ખેડૂતોએ મગફળીના વાવેતર કરતાં પૂર્વે તેના બિયારણની સરકારી અને અન્‍ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરવાની અને મગફળીનું વાવેતર કરવાની સલાહ

 

 

નવી દિલ્‍હી,તા.૨૬: આ વર્ષે સમગ્ર ગુજરાતમાં મગફળીના ઉત્‍પાદનની એકદમ ઉજળી શકયતાઓ જોવામાં આવી રહી છે. જૂનાગઢમાં આવેલા રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્રના ડાયરેક્‍ટર ડો. સંદીપકુમાર બેરાએ આ વર્ષે ચોમાસા દરમિયાન અંદાજે ૭૦ થી ૭૫ લાખ ટન મગફળીના ઉત્‍પાદનની શકયતા વ્‍યક્‍ત કરી છે. સાથે સાથે ચોમાસા દરમિયાન ખેડૂતોએ મગફળીના વાવેતર કરતાં પૂર્વે તેના બિયારણની સરકારી અને અન્‍ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરવાનીને મગફળીનું વાવેતર કરવાની સલાહ આપી છે.

આ વર્ષે સમગ્ર ગુજરાતમાં મગફળીના બમ્‍પર ઉત્‍પાદનની શકયતા રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્રના ડાયરેક્‍ટર ડો.સંદીપકુમાર બેરાએ વ્‍યક્‍ત કરી છે. આ વર્ષે ચોમાસું સારું જવાની શકયતાઓ વ્‍યક્‍ત થઈ રહી છે, જેને લઈને આ વર્ષે ૭૦ થી ૭૫ લાખ ટન મગફળીનું ચોમાસા દરમિયાન ઉત્‍પાદન થવાનો એક પ્રારંભિક અંદાજ લગાવવામાં આવ્‍યો છે. ગયા વર્ષે ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૬૦ લાખ ટન મગફળીનું ઉત્‍પાદન થયું હતું. જેમાં આ વર્ષે ૧૩ થી ૧૫ લાખ ટનનો વધારો થવાની શકયતા મગફળી સંશોધન કેન્‍દ્રના ડાયરેક્‍ટર ડો.સંદીપકુમાર બેરાએ લગાવ્‍યો છે.

જે રીતે આ વર્ષે મગફળીના ઉત્‍પાદનમાં દસ લાખ કરતાં વધારે ટનનો વધારો થશે તેવું અનુમાન લગાવવામાં આવ્‍યું છે, બિલકુલ તેવી જ રીતે આ વર્ષે મગફળીના વાવેતર વિસ્‍તારમાં પણ વધારો થવાની શકયતા વ્‍યક્‍ત થઈ રહી છે. ગત વર્ષે ૧૯.૬ લાખ હેક્‍ટર વિસ્‍તારમાં સમગ્ર ગુજરાતમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. જેમાં આ વર્ષે પણ વધારો થઈને ૨૨ થી ૨૩ લાખ હેક્‍ટર વિસ્‍તારમાં મગફળીનું વાવેતર થવાનો પ્રાથમિક અંદાજ રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્ર દ્વારા લગાવવામાં આવ્‍યો છે.

રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્ર દ્વારા ખેડૂતો ચોમાસા દરમિયાન મગફળીના વાવેતર પૂર્વે બિયારણની ચોક્કસ કાળજી અને તપાસ કર્યા બાદ તેનું વાવેતર કરવાનું સૂચન કરવામાં આવ્‍યું છે. બિન ઉપજાવ બિયારણથી બચવા માટે ખેડૂતો કળષિ યુનિવર્સિટી તેમજ રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્ર દ્વારા ઉત્‍પાદિત બિયારણોની સાથે ભરોસે મંદ ખેડૂતો કે જે પોતાના ખેતરમાંથી મગફળીનું ઉત્‍પાદન બિયારણના રૂપે કરે છે, આવા જાણીતા ખેડૂતો પાસેથી મગફળીનું બિયારણ ખરીદી કરીને વાવેતર કરી શકે છે.

મગફળીનો ૭૫ લાખ ટન ઉત્‍પાદનનો અંદાજ

મગફળીનો ૭૫ લાખ ટન ઉત્‍પાદનનો અંદાજ (Etv Bharat Gujarat)

ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્‍પર પાક (Etv Bharat Gujarat)

બીજ નિગમ અને અન્‍ય સહકારી સંસ્‍થાઓ પણ ગુણવત્તા યુક્‍ત મગફળીનું બિયારણ વહેંચી રહી છે, ત્‍યાંથી પણ ખેડૂતો ખરીદી કરી શકે છે. પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા જે બિયારણો બહાર પાડવામાં આવે છે તેને ખેતરમાં વાવતા પૂર્વે ખેડૂતોએ જૂનાગઢ કળષિ યુનિવર્સિટી અને રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્રમાં આવેલી પ્રયોગશાળાની સાથે ખાનગી ખેતીલક્ષી પ્રયોગશાળામાં પણ મગફળીના બીજની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવી જોઈએ. જેથી આ બિયારણ ઉગવા લાયક છે કે કેમ તેની ખાતરી કરીને જ બિયારણની ખરીદી કર્યા બાદ તેને વાવવું જોઈએ, આવી સલાહ રાષ્‍ટ્રીય મગફળી સંશોધન કેન્‍દ્રના ડાયરેક્‍ટર ડો.સંદીપ કુમારે ખેડૂતોને આપી છે.(૪૦.૯)

(9:52 AM IST)