News of Monday, 26th May 2025
મિસ વર્લ્ડ સ્પર્ધા માટે આવેલી મિસ ઇંગ્લેન્ડ પાછી જતી રહી
હૈદરાબાદમાં ૩૧ મેએ થવાની છે ફાઇનલઃ સ્પર્ધામાંથી કોઈ સ્પર્ધક બહાર નીકળી ગયું હોય એવી પ્રથમ ઘટના

હૈદરાબાદ,તા.૨૬: ભારતમાં યોજાયેલી મિસ વર્લ્ડ ૨૦૨૫ સ્પર્ધાના ફિનાલેના એક અઠવાડિયા પહેલાં આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલી મિસ ઇંગ્લેન્ડ મિલ્લા મેગીએ સ્પર્ધા છોડી દીધી છે. ૧૦ મેએ હૈદરાબાદમાં શરૂ થયેલી આ સ્પર્ધા ૩૧ મેએ સમાપ્ત થશે. આ દિવસે મિસ વર્લ્ડની જાહેરાત કરવામાં આવશે. ૨૪ વર્ષની મિસ ઇંગ્લેન્ડ મિલ્લા મેગીએ મિસ વર્લ્ડ ૨૦૨૫માંથી ખસી જવાનો જે નિર્ણય લીધો એનાથી બધાને આヘર્ય થયું છે. મિસ વર્લ્ડના ૭૪ વર્ષના ઇતિહાસમાં આવું કરનારી તે પ્રથમ ટાઇટલ વિજેતા બની છે. તેણે આ સ્પર્ધા છોડવા પાછળનું કારણ શોષણ અને નૈતિક સંઘર્ષની લાગણીઓ ગણાવી હતી.
મિલ્લા મેગી સ્પર્ધા માટે સાતમી મેએ હૈદરાબાદ આવી હતી અને ૧૬ મેએ તે વ્યક્તિગત કારણો આપીને ઘરે પાછી ફરી હતી. જોકે ઇંગ્લેન્ડ ગયા બાદ તેણે ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો કે હૈદરાબાદમાં તે પોતાને એક વસ્તુ તરીકે જોતી હતી અને શ્રીમંત પુરુષ પ્રાયોજકોનું મનોરંજન કરવા માટે દબાણ અનુભવતી હતી. એટલું જ નહીં, તેણે આ અનુભવની તુલના ‘પ્રોસ્ટિટયુટ જેવી લાગણી' સાથે કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે સ્પર્ધાની ટીકા કરતાં કહ્યું કે ‘એ હવે ઘણી જૂની થઈ ગઈ છે અને એનું સૂત્ર હેતુપૂર્ણ સુંદરતા હોવા છતાં સ્પર્ધામાં માત્ર દેખાવ પર ભાર મૂકવામાં આવે છે. સ્પર્ધકો પાસે હંમેશાં મેકઅપ અને બોલ ગાઉન પહેરવાની અપેક્ષા રાખવામાં આવે છે, બ્રેકફાસ્ટ વખતે પણ આમ કરવામાં આવે છે અને સાંજના કાર્યક્રમો માટે તેમને પુરુષ પ્રાયોજકો સાથે ટેબલ પર બેસાડવામાં આવતી હતી. છ મહેમાનોના દરેક ટેબલ પર બે છોકરીને બેસાડવામાં આવતી હતી. અમારી પાસેથી આખી સાંજ તેમની સાથે બેસીને આભાર માનવાની અને તેમનું મનોરંજન કરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી.'
મિલ્લા મેગીએ એ પણ ખુલાસો કર્યો કે શોના ૧૦૯ ફાઇનલિસ્ટને કંટાળાજનક હોવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. હું બદલાવ લાવવા, એક અલગ ભવિષ્ય બનાવવા, કદાચ યુવાનોને પ્રેરણા આપવા માટે બહાર ગઈ હતી એમ જણાવતાં મિલ્લા મૅગીએ કહ્યું હતું કે અમે આ લોકોને ખુશ કરવા અને પ્રદર્શન કરતા વાંદરાઓની જેમ બેસવા માટે ત્યાં હતાં, હું એ સહન કરી શકી નહીં અને મેં ત્યાંથી પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.
મેગીનું સ્થાન મિસ વર્લ્ડના ફાઇનલમાં મિસ ઇંગ્લેન્ડની રનર-અપ પચીસ વર્ષની મિસ લિવરપૂલ શાર્લોટ ગ્રેન્ટ લેશે. ફાઇનલ આ અઠવાડિયે ૧૮૦થી વધુ દેશોમાં પ્રસારિત થશે.(૪૦.૨)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
