News of Monday, 26th May 2025
ગરવી ગુજરાતણોએ કેન્સમાં વટ પાડયોઃ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું
એક્ટ્રેસ કોમલ ઠક્કરે ભારત પેવેલિયનમાં સંબોધન કર્યુ, બે સંતાનની માતા ટીના રાંકાએ જાતે ડીઝાઈન કરેલા ડ્રેસ સાથે રેડ કાર્પેટ વોક કરી

પેરિસ,તા.૨૬: ફ્રાન્સ ખાતે યોજાઈ રહેલા કેન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતની નારીશક્તિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર પ્રતિનિધી કચ્છી એક્ટ્રેસ કોમલ ઠક્કરે ત્રીજા વર્ષે કેન્સમાં હાજરી આપી હતી. સુરતનાં ડિઝાઈનર ટીના રાંકાએ જાતે ડિઝાઈન કરેલા ડ્રેસ સાથે કેન્સમાં રેમ્પ વોક કર્યું હતું. બે સંતાનોની માતા ટીનાએ કેન્સ દરમિયાન દુનિયાને ભારતીય હસ્તકલાની ઝલક આપી હતી.
એક્ટ્રેસ કોમલે અગાઉ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં પણ કેન્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ એક્ટ્રેસ તરીકે નામ નોંધાવ્યું હતું. કોમલ ઠક્કરે ૨૦૦૪માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો, ૨૦૧૧માં કોમલ ઠક્કરે સર્પોટિંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ હૈયાના હેત જન્મો જનમના થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ કોમલ ઠક્કરે અનેક ગુજરાતી ફિલ્મો તથા ટીવી સિરિયલોમાં કામ કર્યુ હતું.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતનાં ફેશન ડિઝાઇનર ટીના રાંકાએ પોતાનો જ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરી રેડ કાર્પેટ વોક કરી હતી. હેન્ડીક્રાફ્ટની મદદથી બનાવેલો ડ્રેસ પહેરી રાંકાએ ભારતની વિવિધ સંસ્કળતિઓની ઝલક રજૂ કરી હતી. સુરત તરફથી હાજરી આપનાર ટીના રાંકા પ્રથમ ફેશન ડિઝાઇનર બની છે. રાજસ્થાનના નાના શહેરમાંથી આવેલી ટિના રાંકા છેલ્લા ૨૨ વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે. લગ્ન પછી સુરત આવેલાં ટીના રાંકાએ સંયુક્ત પરિવારમાં રહી બે સંતાનાનો ઉછેર સાથે પોતાની ફેશન બ્રાન્ડ સ્થાપેલી છે.(૪૦.૫)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
