તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 26th May 2025
કોરોનાએ ફરી ડાકલા વગાડયા : ૧૦૦૦થી વધુ કેસ
કાળમુખો કોરોના ફરી ડાચુ ફાડી રહયો છે : દિલ્હીમાં પોઝીટીવ કેસમાં ઉછાળો : કેરળ - રાજસ્થાનમાં નવો વેરીયન્ટ કાળોકેર મચાવી રહયો છે : લોકોને તકેદારી રાખવા તાકીદ

નવી દિલ્હી, તા.૨૬: ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. કોરોના વાયરસ હવે ઝડપથી ફેલાવા લાગ્યો છે. દેશમાં કોવિડ ૧૯ના સક્રિય કેસોની સંખ્યા ૧૦૦૦ ને વટાવી ગઈ છે. કેરળથી કર્ણાટક અને મહારાષ્ટ્રથી દિલ્હી સુધી, કોરોનાના નવા આંકડા હવે ભયાનક છે. હા, દેશમાં ફરી એકવાર કોવિડ-૧૯ ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં આ સમયે કુલ ૧૦૦૯ સક્રિય કોવિડ-૧૯ કેસ છે. આ વર્ષમાં પહેલી વાર છે જ્યારે દેશમાં કોરોનાના કેસ ૧૦૦૦ને વટાવી ગયા છે. કોરોનાએ ફરી મોઢું ફાડયું છે કેરળ, રાજસ્થાનમાં નવો વેરીએન્ટ કાળો કેર મચાવી રહયો છે લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં ૧૦૦૯ સક્રિય કેસમાંથી, તાજેતરમાં ૭૫૨ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ સૂચવે છે કે કોરોના વાયરસ હવે ધીમે ધીમે મજબૂત રીતે પોતાના પગ ફેલાવી રહ્યો છે. આ કોરોના હજુ પણ સંપૂર્ણપણે ખતમ થયો નથી. તેનાથી બચવા માટે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. દિલ્હીમાં કોરોનાના કેસોએ સૌથી વધુ આશ્ચર્યચકિત કર્યા છે. અહીં કોરોના વાયરસના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે.
જો આપણે રાજ્યવાર ડેટાની વાત કરીએ તો, કેરળ આ સમયે સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય રહ્યું છે. કેરળમાં કોરોનાના ૪૩૦ સક્રિય કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્રમાં ૨૦૯, દિલ્હીમાં ૧૦૪ અને કર્ણાટકમાં ૪૭ સક્રિય કેસ છે. આ રાજ્યોમાં આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ અને સારવારની પ્રક્રિયા ચાલી રહી છે.
જોકે, રાહતની વાત એ છે કે આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર જેવા ઘણા રાજ્યોમાં હાલમાં કોઈ સક્રિય કોવિડ-૧૯ કેસ નોંધાયેલ નથી. જો કે, હવે બિહારમાં પણ કોરોનાના બે કેસ નોંધાયા છે. બીજી તરફ, જો આપણે કોવિડને કારણે થયેલા મળત્યુની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં ૪, કેરળમાં ૨ અને કર્ણાટકમાં ૧ મળત્યુ નોંધાયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન ૩૦૫ લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે.
નિષ્ણાતો માને છે કે આ સમય બેદરકાર રહેવાનો નથી. બદલાતા હવામાન અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે. દેશમાં પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે, પરંતુ આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે. સરકાર આગામી દિવસોમાં રસીકરણ અને દેખરેખને વધુ કડક બનાવવાની યોજના બનાવી રહી છે.(૨૩.૨૧)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
