<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વોટસએપમાં આવ્‍યું ધમાકેદાર ફીચર : હવે ગ્રુપમાં પણ વોઇસ મેસેજ મોકલી શકાશે

ગ્રુપચેટમાં ટાઇપિંગ કરવાની ઝંઝટનો અંત આવ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૬: વિશ્વભરમાં ૩.૫ અબજથી વધુ યૂઝર્સ સાથે સૌથી લોકપ્રિય ઇન્‍સ્‍ટન્‍ટ મેસેજિંગ એપ્‍લિકેશન, WhatsApp એ તેના યૂઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે એક નવી સુવિધા રજૂ કરી છે. હવે ગ્રુપ ચેટમાં ટાઇપ કરવાની ઝંઝટનો અંત આવ્‍યો છે. વૉટ્‍સએપે ગ્રુપ વૉઇસ ચેટ નામનું એક નવું ટૂલ લૉન્‍ચ કર્યું છે, જે વાતચીતને વધુ સરળ અને મનોરંજક બનાવશે.

વૉટ્‍સએપનું આ નવું ફિચર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ગ્રુપમાં લાંબા મેસેજ લખવાનું ટાળવા માંગે છે. હવે તમે ગ્રુપ ચેટમાં હેન્‍ડ્‍સ-ફ્રી અને રીઅલ-ટાઇમમાં સીધા તમારા પોતાના અવાજમાં વાત કરી શકો છો. આનો અર્થ એ થયો કે કોલ કર્યા વિના, ગ્રુપમાં સીધા જ લાઇવ વોઇસ ચેટ શરૂ કરી શકાય છે જાણે કોઈ રૂબરૂ વાતચીત થઈ રહી હોય.

શરૂઆતમાં આ સુવિધા ફક્‍ત મોટા જૂથો માટે જ રજૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તે બધા જૂથ કદ માટે રજૂ કરવામાં આવી રહી છે. તમારા ગ્રુપમાં ૩-૪ લોકો હોય કે ૧૦૦ થી વધુ સભ્‍યો હોય, હવે બધા યૂઝર્સ આ વોઇસ ચેટનો લાભ લઈ શકે છે. આ સુવિધા ધીમે ધીમે બધા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. જો આ અપડેટ હજુ સુધી તમારા ફોન પર નથી આવ્‍યું, તો થોડી રાહ જુઓ, ટૂંક સમયમાં તે તમારા ડિવાઇસ પર પણ ઉપલબ્‍ધ થશે. આ ફિચર એન્‍ડ્રોઇડ અને iOS બંને પ્‍લેટફોર્મ પર કામ કરશે.

મિત્રો સાથે પ્રવાસનું આયોજન હોય કે ઓફિસ ટીમ સાથે ટૂંકી મુલાકાત હોય, આ નવી સુવિધા ફક્‍ત વાતચીતને ઝડપી જ નહીં પણ વધુ કુદરતી અને ઇન્‍ટરેક્‍ટિવ પણ બનાવશે. ડિજિટલ વાતચીતને પહેલા કરતા વધુ સરળ અને અસરકારક બનાવવા માટે WhatsApp તેની સેવાઓમાં સતત સુધારો કરી રહ્યું છે.

(3:11 PM IST)