<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

મુસ્‍લિમ દેશ સાઉદી અરેબિયામાં હવે દારૂના વેચાણની છૂટ

ટુરિઝમ વધારવા ૭૩ વર્ષ જૂનો કાયદો બદલાયો

રિયાધ, તા.૨૬: વિશ્વભરમાં સૌથી વધુ ચા અને દારૂનું સેવન થાય છે. દારૂનો ધંધો એટલો મોટો છે કે તે ઘણાં નાના દેશોના GDP જેટલો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે દારૂમાંથી અબજો રૂપિયાની કમાણી થાય છે. જો કે, કેટલાક દેશો એવા છે જ્‍યાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અને ત્‍યાં દારૂના સેવન કે વેચાણ બદલ કડક સજાની જોગવાઈ પણ છે. મોટાભાગના ઈસ્‍લામિક દેશોમાં આવા નિયમો બનાવવામાં આવ્‍યા છે. હવે આવા જ એક મુસ્‍લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો નિર્ણય લીધો છે. આવી સ્‍થિતિમાં ચાલો તમને જણાવીએ કે કયા મુસ્‍લિમ દેશોમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

હવે સાઉદી અરેબિયાએ લગભગ ૭૩ વર્ષ બાદ દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ એક મોટો નિર્ણય ગણાવાઈ રહ્યો છે. સાઉદી સતત પોતાના કડક કાયદામાં ફેરફાર કરી રહ્યું છે અને પ્રવાસનને કમાણીની મોટી તક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નિર્ણય પણ આ ક્રમમાં લેવામાં આવ્‍યો છે. જો કે, સાઉદીના લોકો માટે હજુ પણ દારૂ પર પ્રતિબંધ છે.

હવે જો તમે એવું વિચારી રહ્યા છો કે, ભારત કે અન્‍ય કોઈ દેશની જેમ સાઉદીમાં પણ તમે દારૂની દુકાનમાં જઈને દારૂ ખરીદી શકો છો તો તમે ખોટા છો. વાસ્‍તવમાં આ વ્‍યવસ્‍થા અહીં માત્ર ટુરિસ્‍ટ માટે જ કરવામાં આવી છે. ઘરમાં દારૂ રાખવા અને બજારમાં વેચવા પર હજુ પણ પ્રતિબંધ છે. તેના માટે લાઈસન્‍સ આપવામાં આવશે, જેથી મોટા ટુરિઝમ પ્રોજેક્‍ટ્‍સમાં દારૂ પીરસવામાં આવી શકે છે. એનો અર્થ એ કે જો તમે કોઈપણ વિદેશી દેશમાંથી સાઉદી જાઓ છો, તો તમને દારૂ પીવા માટે મળી શકે છે.

સાઉદી અરેબિયામાં માત્ર ઓછા પ્રમાણમાં આલ્‍કોહોલ વાળો દારૂ જ મળશે. તેનો અર્થ એ કે તમે બિયર અથવા વોડકા જેવા ડ્રિંક પી શકો છો. ૨૦%થી વધુ આલ્‍કોહોલ ધરાવતા ડ્રિંક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં લગભગ ૬૦૦ સ્‍થળોએ આ દારૂ મળશે.

વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્‍યાં આજે પણ દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તેમાં બ્રુનેઈ, સોમાલિયા, ઈરાન, લીબિયા, કુવૈત જેવા દેશો સામેલ છે. આ ઉપરાંત, પાડોસી દેશ પાકિસ્‍તાનમાં પણ દારૂ પર ઘણા પ્રતિબંધો છે. એટલે કે મોટા ભાગના મુસ્‍લિમ દેશો જ એવા છે જેમણે ધર્મના આધારે દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકયો છે. જોકે, કેટલાક દેશો હવે પ્રવાસનને  ધ્‍યાનમાં રાખીને આ નિયમોમાં થોડી છૂટછાટ આપી રહ્યા છે.

(3:17 PM IST)