News of Monday, 26th May 2025
દેશના ન્યાયિક ઇતિહાસમાં ઐતિહાસિક સુવર્ણ પ્રકરણઃ જસ્ટિસ ભાનુમતિ વિક્રમ નાગરત્ના સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં: ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનવા તરફ આગળ વધ્યા
ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ઇ. એસ. વેંકટરામૈયાના તેઓ પુત્રી છે : જો ૨૦૨૭માં દેશના ચીફ જસ્ટિસ બનશે તો તેમનો કાર્યકાળ એક મહિનાનો રહેશે

નવી દિલ્હી : ભારતની ન્યાયિક પ્રણાલીમાં એક અતિ મહત્વનો અને ઐતિહાસિક બદલાવ આવી રહ્યો છે. ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્ના (ન્યાયાધીશ બી.વી. નાગરત્ના) હવે સુપ્રીમ કોર્ટના કોલેજિયમના સભ્ય બનવા જઈ રહ્યા છે. આવતીકાલે ૨૫ મે, ૨૦૨૫ થી તેઓ સત્તાવાર રીતે કોલેજિયમના સભ્ય બનશે. આ પગલું તેમને ૨૦૨૭માં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા) બનવાના માર્ગે એક ડગલું વધુ આગળ લઈ જશે.
જસ્ટિસ બી.વી. નાગરત્નાાઃ એક પરિચયઃ જસ્ટિસ બી.વી. નાગરત્નાનો જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૯૬૨ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ ભાનુમતી વિક્રમ નાગરત્ના છે. તેઓ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા) ઇ. એસ. વેંકટરામૈયાના પુત્રી છે.
કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ૨૮ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ બેંગલુરુમાં વકીલ તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે બંધારણીય કાયદો, વાણિજ્યિક બાબતો, વીમા અને સેવા કાયદા જેવા ક્ષેત્રોમાં વ્યાપક પ્રેક્ટિસ કરી હતી.
ન્યાયિક યાત્રાનો પ્રારંભઃ જસ્ટિસ નાગરત્નાની ન્યાયિક યાત્રાનો પ્રારંભ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ થયો હતો, જ્યારે તેમને કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના એડિશનલ જજ (વધારાના ન્યાયાધીશ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ તેઓ કાયમી જજ (સ્થાયી ન્યાયાધીશ) તરીકે નિયુક્ત થયા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ તેમને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે બઢતી મળી. જો બધું જ આયોજન મુજબ જશે, તો સપ્ટેમ્બર ૨૦૨૭માં તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે અને લગભગ એક મહિના સુધી આ પદ પર રહેશે.
મહત્વપૂર્ણ ચુકાદાઓ અને યોગદાનઃ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પોતાના ન્યાયિક કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે
નોટબંધી પર અલગ અભિપ્રાય ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીના મામલે સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેંચે નોટબંધીને યોગ્ય ઠેરવી હતી, પરંતુ જસ્ટિસ નાગરત્નાએ બહુમતીના ચુકાદાથી વિરુદ્ધ પોતાનો અલગ અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો ૯૮ ટકા પૈસા સિસ્ટમ્સમાં પાછા આવી ગયા, તો નોટબંધીનો શું ફાયદો ? આનાથી કાળું નાણું કેવી રીતે ઘટયું? મને લાગે છે કે આ નિર્ણયથી કાળા નાણાને સફેદ કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ચુકાદો તેમની નિડરતા અને સ્વતંત્ર વિચારસરણીનું પ્રતીક છે.
મહિલાઓના ભરણપોષણ પર ટિપ્પણીઃ એક મહત્વપૂર્ણ કેસમાં, તેમણે મહિલાઓના કલ્યાણ માટે બનેલા કાયદાનો દુરુપયોગ પતિને હેરાન કરવા અથવા પૈસા પડાવવા માટે ન થવો જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરણપોષણનો અર્થ ભૂતપૂર્વ જીવનસાથીઓની નાણાકીય સ્થિતિને સમાન બનાવવાનો નથી, પરંતુ આશ્રિત મહિલાને જીવનધોરણનું વાજબી ધોરણ પૂરું પાડવાનો છે.
ન્યાયતંત્રમાં દેખાડાને કોઈ સ્થાન નથીઃ ન્યાયાધીશોએ સોશિયલ મીડિયા નો ઉપયોગ ટાળવો જોઈએ એક કેસની સુનાવણી દરમિયાન, તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું ન્યાયાધીશો દ્વારા ટાળવો જોઈએ, ન્યાયતંત્રમાં દેખાડાને કોઈ સ્થાન નથી. ન્યાયાધીશોએ સંત જેવું જીવન જીવવું જોઈએ અને પૂરી મહેનતથી કામ કરવું જોઈએ. આ ટિપ્પણી ન્યાયપાલિકાની ગરિમા અને ન્યાયાધીશોના આચરણ અંગેના તેમના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
ચાઇનીઝ દોરી પર પ્રતિબંધઃ કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે, તેમણે ચાઇનીઝ દોરી (નાયલોન, કાચ પાયેલી કોટન થ્રેડ) પર પ્રતિબંધ મૂકતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જે અબોલ પક્ષીઓ અને માનવજીવન માટે ઘાતક સાબિત થાય છે.
કોલેજિયમ સભ્ય તરીકેની ભૂમિકાઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ એ ભારતમાં સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક અને બઢતીની ભલામણ કરતી સિસ્ટમ્સ છે. આ કોલેજિયમમાં ભારતના ચીફ જસ્ટિસ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. જસ્ટિસ નાગરત્નાના આ કોલેજિયમમાં સમાવેશ થવાથી, મહિલા પ્રતિનિધિત્વમાં વધારો થશે અને ન્યાયિક નિમણૂકોમાં વધુ સંતુલન અને વિવિધતા આવવાની અપેક્ષા છે.
ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ
જસ્ટિસ બી.વી. નાગરત્ના ૨૦૨૭માં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાની સંભાવના ધરાવે છે. જો આમ થશે, તો તે ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાશે, જે મહિલા સશક્તિકરણ અને ન્યાયપાલિકામાં મહિલાઓના વધતા યોગદાનનું પ્રતીક બનશે.
પિતાના પગલે પુત્રી પણ ચીફ જસ્ટિસ બનવાના માર્ગેઃ જસ્ટિસ નાગરત્નાના પિતા
જસ્ટિસ બી.વી. નાગરત્ના ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇ. એસ. વેંકટરામૈયાના પુત્રી છે. તેમના પિતા પણ એક પ્રતિષ્ઠિત ન્યાયાધીશ રહી ચૂકયા છે, અને જસ્ટિસ નાગરત્નાએ તેમના પગલે ચાલીને ન્યાયિક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
જસ્ટિસ બી.વી. નાગરત્ના : પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાના માગે જ્જ સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મહિલા શક્તિ જ્જ જસ્ટિસ બી.વી. નાગરત્નાનો ઐતિહાસિક સમાવેશ જ્જ પૂર્વ મુખ્ય ન્યાયાધીશની પુત્રી જસ્ટિસ બી.વી. નાગરત્ના બનશે કોલેજિયમના સભ્ય
કોલેજિયમ સિસ્ટમ્સ
કોલેજિયમ સિસ્ટમ્સ એ ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક અને બઢતી માટેની એક પ્રણાલી છે. આ સિસ્ટમ્સમાં ભારતના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, જેઓ ઉચ્ચ ન્યાયપાલિકામાં નિમણૂકો માટે કેન્દ્ર સરકારને ભલામણો મોકલે છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
