News of Monday, 26th May 2025
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત : ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરો માટે ઓરેન્જથી લઇને રેડ એલર્ટ જાહેર કર્યું : 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
શહેરમાં સૌથી વધુ વરસાદ નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશન (૧૦૪ મીમી) ખાતે નોંધાયો હતો. આ પછી એ વોર્ડ ઓફિસ (૮૬ મીમી), કોલાબા પમ્પિંગ સ્ટેશન (૮૩ મીમી) અને મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર (૮૦ મીમી)વરસાદ

મુંબઈ તા.૨૬ : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરો માટે ઓરેન્જથી લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી ત્રણથી ચાર કલાકમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદની તીવ્રતા ઓછી થઈ, પરંતુ આકાશ વાદળછાયું રહ્યું. મે મહિનામાં મુંબઈમાં પડેલા વરસાદે 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા
મુંબઈ ભૂગર્ભ મેટ્રો હાલમાં વરલીથી આરે કોલોની સુધી ચાલે છે. પાણી ભરાઈ જવાને કારણે ભૂગર્ભ મેટ્રો ટ્રેનો હવે ગ્લેક્સો સ્ટેશનથી આરે કોલોની સુધી દોડી રહી છે, જે વર્લીથી એક સ્ટેશન આગળ છે. મુંબઈ મેટ્રો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ટેકનિકલ સમસ્યાઓના કારણે મેટ્રો લાઇન 3 પર ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે અને હવે તે આચાર્ય અત્રે ચોકને બદલે ફક્ત વર્લી સ્ટેશન સુધી જ દોડશે."
સાયન વિસ્તારના ગાંધી માર્કેટના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર મંગળવારે શહેરમાં યલો એલર્ટ રહેશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "દક્ષિણપશ્ચિમ ચોમાસુ આજે 26 મેના રોજ મુંબઈ પહોંચી ગયું છે, જ્યારે સામાન્ય ચોમાસુ 11 જૂને મુંબઈ પહોંચશે. આમ, ચોમાસુ સામાન્ય કરતાં 16 દિવસ વહેલું મુંબઈ પહોંચી ગયું છે. આ 2001-2025ના સમયગાળા દરમિયાન મુંબઈમાં ચોમાસાનું સૌથી વહેલું આગમન છે."
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર શહેરમાં સૌથી વધુ વરસાદ નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશન (૧૦૪ મીમી) ખાતે નોંધાયો હતો. આ પછી એ વોર્ડ ઓફિસ (૮૬ મીમી), કોલાબા પમ્પિંગ સ્ટેશન (૮૩ મીમી) અને મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર (૮૦ મીમી)નો ક્રમ આવે છે. મુંબઈ આઈએમડીએ આગામી 24 કલાક દરમિયાન મુંબઈના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે.
રવિવાર અને સોમવારે દાદર, પરેલ, કુર્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી. વરસાદને કારણે ટ્રેન અને ફ્લાઇટના સમયપત્રક બંને પર અસર પડી છે. ૨૫ મેના રોજ સવારે ૮ વાગ્યાથી ૨૬ મેના રોજ સવારે ૮ વાગ્યા સુધીમાં શહેરમાં ૫૮ મીમી વરસાદ નોંધાયો હતો, જેમાં પૂર્વીય ઉપનગરોમાં ૧૯ મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.
હવાઈ મુસાફરી માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ
વરસાદને કારણે ફ્લાઇટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ ગ્રાહકો માટે ગાઇલાઇન જાહેર કરી છે. સ્પાઇસજેટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મુંબઈમાં ખરાબ હવામાન (ભારે વરસાદ)ને કારણે, બધી પ્રસ્થાન/આગમન અને તેમની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ http://spicejet.com/#status દ્વારા તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસતા રહે."
આ ઉપરાંત, એર ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "વરસાદ અને વાવાઝોડાને કારણે મુંબઈમાં ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. મુસાફરીના અનુભવને સરળ બનાવવા માટે અમે અમારા મુસાફરોને એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ."
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
