News of Monday, 26th May 2025
'આખો પરિવાર નાટક કરી રહ્યો છે... ચૂંટણી આવે છે એટલે આવા ધતિંગ!' : તેજ પ્રતાપ મામલે પત્ની ઐશ્વર્યા રાયનું મૌન ભંગ : લાલુ પરિવાર પર આકરા પ્રહારો!
ફેસબુક પર તેજ પ્રતાપના 12 વર્ષ જૂના સંબંધના ખુલાસા બાદ RJD માંથી હાંકી કાઢવામાં આવતા રાજકીય ગરમાવો : ઐશ્વર્યાએ કહ્યું - "મને છૂટાછેડાના સમાચાર મીડિયાથી મળ્યા, અનુષ્કા કોણ છે એ પણ ખબર નથી!"

નવી દિલ્હી : બિહારના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને RJD નેતા તેજ પ્રતાપ યાદવ હાલ પોતાની અંગત જિંદગીના કારણે ફરી વિવાદોમાં ઘેરાયા છે. ફેસબુક પર પોતાના 12 વર્ષ જૂના સંબંધનો જાહેરમાં ખુલાસો કર્યા બાદ તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે, તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયે આખરે પોતાનું મૌન તોડ્યું છે અને લાલુ પરિવાર પર સીધા પ્રહારો કર્યા છે!
"મને મીડિયાથી જ છૂટાછેડાના સમાચાર મળ્યા":
ઐશ્વર્યા રાયે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેમને તેજ પ્રતાપના છૂટાછેડા વિશે મીડિયા મારફત જ જાણ થઈ હતી. તેમણે લાલુ પરિવાર પર "નાટક કરવાનો" ગંભીર આરોપ લગાવ્યો. ઐશ્વર્યાએ આક્રોશપૂર્વક કહ્યું કે, "ચૂંટણીઓ આવી રહી છે, તેથી તેઓ આવા નાટક કરી રહ્યા છે. મને બધી માહિતી મીડિયા પાસેથી જ મળી રહી છે. મને અનુષ્કા વિશે તો ખબર પણ નહોતી. તેમને (તેજ પ્રતાપને) પૂછો કે હવે મારું શું થશે? અમે કોર્ટમાં જ આ અંગે વાત કરીશું."
"દીકરાની ભૂલો છુપાવવા માટે બધો દોષ છોકરી પર ઢોળાય છે":
પોતાના પર આવી પડેલી આ પરિસ્થિતિ અંગે ઐશ્વર્યા રાયે વધુમાં ઉમેર્યું કે, "દીકરાની ભૂલો છુપાવવા માટે બધો દોષ છોકરી પર નાખવામાં આવે છે. તેમણે (તેજ પ્રતાપ અને પરિવારે) મારું શું કર્યું છે?"
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં તેજ પ્રતાપના લગ્ન પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી અને પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા જ મહિનાઓ બાદ છૂટાછેડાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારથી આ મામલો ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે.
રાજકીય અને પારિવારિક ગૂંચવણ:
એક તરફ તેજ પ્રતાપને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, અને બીજી તરફ પત્ની ઐશ્વર્યાના આ આકરા નિવેદનોથી લાલુ પરિવાર માટે રાજકીય અને પારિવારિક એમ બંને મોરચે મુશ્કેલી ઊભી થઈ છે. આગામી ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના અંગત વિવાદો RJD માટે વધુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. ઐશ્વર્યાના ખુલાસા બાદ હવે લાલુ પરિવાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
