તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 26th May 2025
કચ્છી માડુઓ થયા હરખઘેલા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કચ્છમાં ભવ્ય રોડ શો : ₹53,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ સાથે 'ઓપરેશન સિંદૂર'ની ગર્જના!
હિલગાર્ડનથી કોલેજ રોડ સુધી 1 કિલોમીટર લાંબો રોડ શો : 10 હજાર કેસરી સાડીમાં સજ્જ નારીશક્તિએ સિંદૂર ધારણ કરી કર્યું અભિવાદન : રાષ્ટ્રભક્તિના ગીતો અને સાંસ્કૃતિક ઝાંખીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

ભુજ (વિનોદ ગાલા દ્વારા) : 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત કચ્છની ધીંગી ધરા પર પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા કચ્છી માડુઓનો હરખ હૈયે સમાતો નહોતો. ભુજના હિલગાર્ડન પાસેથી કોલેજ રોડ પર બનાવવામાં આવેલા વિશાળ સભાખંડ સુધી એક કિલોમીટર લાંબો, ગગનભેદી જયઘોષ સાથેનો ભવ્ય રોડ-શો યોજાયો હતો, જ્યાં પ્રધાનમંત્રીએ ₹53,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
જનમેદનીનો અભૂતપૂર્વ ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો સંગમ:
પોતાના લોકલાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા કચ્છી માડુઓ રોડ-શોમાં સ્વયંભૂ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા. રોડ શોના સમગ્ર રૂટ પર કચ્છવાસીઓએ હાથમાં તિરંગો પકડીને પુષ્પવર્ષા સાથે પ્રધાનસેવકને ઉમંગ-ઉલ્લાસથી આવકાર્યા હતા. જન જનના મુખેથી 'મોદીજી.. મોદીજી...મોદીજી...', 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ રોડ શોમાં નારીશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. 'ઓપરેશન સિંદૂર'ને દર્શાવતા હોય તેમ રોડ શોમાં કેસરી રંગની સાડીમાં સજ્જ અંદાજે દસ હજાર જેટલી મહિલાઓએ સિંદૂર ધારણ કરીને વડાપ્રધાનનું બેન્ડ વગાડી સ્વાગત અભિવાદન કર્યું અને તેમને બિરદાવ્યા હતા. રોડ શોના રૂટ પર 1 કિલોમીટર લાંબો તિરંગો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
વિવિધ ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી મહોત્સવ જેવું વાતાવરણ:
રોડ શોની યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર લહેરાતા તિરંગાઓ, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દીધું, જાણે કે એક મહોત્સવનું નિર્માણ થયું હોય. કચ્છી માડુઓ દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને આબાલ-વૃદ્ધ સૌ નગરજનો પ્રત્યે વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અંદાજે દોઢ કિલોમીટરના આ ભવ્ય રોડ શોમાં વિવિધ 8 સ્ટેજ પર 88 થી વધારે કલાકારોએ દેશપ્રેમની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા દેશભક્તિના ગીતો થકી સમગ્ર વાતાવરણને દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી ઓતપ્રોત કરી દીધું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'દેશ રંગીલા...', 'સુજલામ સુફલામ....', 'વંદે માતરમ....', 'એક તેરા નામ......', 'જય ભારતી વંદે ભારતી...', 'જય મા ભવાની....' સહિતના દેશભક્તિ ગીતોએ દેશભક્તિમય માહોલ સર્જ્યો હતો.
રોડ શોમાં વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભુજ ખાતે આગમન થતાં જ, તેમના રોડ શો થકી ભુજ શહેરના વિવિધ વોર્ડ તેમજ સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, આહિર સમાજ, સરહદ ડેરી, રાજસ્થાન સમાજ, ગઢવી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, રાજપુત સમાજ, લોહાણા સમાજ, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, મહેશ્વરી સમાજ, વણકર સમાજ, ગુર્જર સમાજ, આંધ્રા સમાજ, કેરલ સમાજ, ગોરખા સમાજ, પરપ્રાંતિય સમાજ, વ્હોરા સમાજ, બીએપીએસ મંદિર સહિત વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનો અને અગ્રણીઓએ ઉત્સાહભેર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકાર આપ્યો હતો. સૌ ઉપસ્થિતોએ 'ભારત માતકી જય' અને 'વંદે માતરમ્'ના નારા સાથે આગવો જુસ્સો પ્રદર્શિત કર્યો હતો.
'ઓપરેશન સિંદૂર'ની ઝાંખીઓ અને સૈન્ય શક્તિનું પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર
આ ભવ્ય રોડ શોમાં 'ઓપરેશન સિંદૂર'ની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાન મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલના કટ આઉટ્સ, 'ઓપરેશન સિંદૂર'ની કેપ, શાસ્ત્રીય નૃત્યો, અને માતૃભૂમિનું સરહદ પર રક્ષણ કરતા સરહદના પ્રહરી વીર જવાનોના પરિવેશ ધારણ કરીને આવેલા ભૂલકાંઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તમામ પ્રસ્તુતિઓએ રોડ શોના માહોલને વધુ ભવ્ય અને પ્રેરણાદાયક બનાવ્યો હતો.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
