<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'સિંદૂર સન્માન યાત્રા' પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂટનું નિરીક્ષણ

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્ય, કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ નિરીક્ષણમાં જોડાયા : આવતીકાલે સવારે યોજાશે ભવ્ય યાત્રા

ગાંધીનગર : આવતીકાલે સવારે ગાંધીનગર શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર ભવ્ય 'સિંદૂર સન્માન યાત્રા'ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે, આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન યાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર તેમજ ગાંધીનગર એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને યાત્રાના રૂટ પરની વ્યવસ્થાઓ, સુરક્ષા પ્રોટોકોલ અને અન્ય આનુષંગિક બાબતોની ચકાસણી કરી હતી.
વડાપ્રધાનની આ યાત્રાને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. 'સિંદૂર સન્માન યાત્રા' વડાપ્રધાનના 'ઓપરેશન સિંદૂર'ની સફળતા અને તેનાથી દેશને મળેલા ગૌરવની ઉજવણીનો એક ભાગ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.

 

(10:31 PM IST)