News of Wednesday, 28th May 2025
ઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના : નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રક લૂંટી : ડ્રાઈવરને બંધક બનાવ્યો
બળજબરીથી ટ્રકને સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા : ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર

ઓડીશા, તા.૨૮: ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકયો છે. નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલી ટ્રેન લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટકોથી ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે.
આ ટ્રક રૂરકેલાના કેબલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલીઓએ ટ્રકને રોકી અને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને બળજબરીથી ટ્રકને સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. આ ઘટના બાદ, ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ સતર્ક છે.
ભારતના ઘણા રાજ્યોમાં નક્સલવાદ એક ગંભીર પડકાર છે. જેમાં ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં, સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે અનેક સફળ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઘણા મોટા નક્સલવાદી કમાન્ડરો માર્યા ગયા છે અથવા આત્મસમર્પણ કર્યું છે.
તાજેતરમાં, ૨૧ મે ૨૦૨૫ ના રોજ, છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં એક મોટી એન્કાઉન્ટરમાં, નક્સલવાદી સંગઠન સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ, નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજ માર્યા ગયા હતા, જેના માથા પર કુલ ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ હતું. જોકે, માડવી હિડમા જેવા ઘણા અન્ય ખતરનાક નક્સલવાદીઓ હજુ પણ ફરાર છે અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે.
૨૦૨૫ માં છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે ઘણા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ૨૧ મે ૨૦૨૫ ના રોજ નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં, ૨૭ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જેમાં બસવરાજ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. બીજાપુર અને કાંકેરમાં, ૧૧૩ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, ૧૦૪ ની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૪ એ આત્મસમર્પણ કર્યું હતું.
ઝારખંડમાં ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીમાં ૧૪૯૦ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. સારંડાના જંગલોમાં નક્સલીઓ સામે એક ખાસ ઓપરેશન ચાલી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.
મે ૨૦૨૫માં મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ૫ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના માથા પર કુલ ૩૬ લાખ રૂપિયાનું ઈનામ હતું.
માધવી હિડમા નક્સલીઓનો એક અગ્રણી કમાન્ડર છે, જેના પર ૪૫ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમના સિવાય ઝારખંડમાં અસીમ મંડલ, પતિરામ માંઝી અને મિસીર બેસરા જેવા નક્સલીઓ પર ૧ કરોડ રૂપિયાનું ઈનામ છે, જ્યારે સુજાતા અને અન્ય કમાન્ડરો પર ૨૫ લાખ રૂપિયાથી ૨ લાખ રૂપિયા સુધીના ઈનામ છે. સુરક્ષા દળોએ નક્સલવાદ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, અને ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જોકે, હિડમા જેવા નક્સલીઓની ગુપ્ત પ્રવળત્તિઓ અને જંગલોમાં તેમની હાજરી હજુ પણ એક મોટો પડકાર છે.(૨૩.૨૬)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
