<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

મહારાષ્ટ્ર અહિલ્યાનગરના ખડકી ગામના યુવાનો બન્યા દેવદૂત નદીમાં પાણીના પ્રવાહમાં ડૂબતી ત્રણ છોકરીઓનો જીવ બચાવ્યો

રાહત અને બચાવ માટે આવી રહેલી NDRF ટીમ પોતે જ ટ્રાફિક જામમાં ફસાઈ:સમયસર એનડીઆરએફની ટીમ પહોંચી નહીં, પણ સંકટ સમજીને ગામના લોકોએ ફસાયેલી છોકરીઓને બચાવવાનું કામ કર્યું .

મુંબઈઃ આખા મહારાષ્ટ્રમાં મે મહિનામાં જ વરસાદે જોરદાર બેટિંગ ચાલુ કરી દીધી છે અને ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ઠેર ઠેર નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે લોકોને બચાવવા NDRFની ટીમ પણ ખડે પગે તૈયાર છે.

પણ તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જેમાં રાહત અને બચાવ માટે આવી રહેલી NDRF ટીમ પોતે જ ટ્રાફિક જામમાં ફસાઈ હતી! સમયસર એનડીઆરએફની ટીમ પહોંચી નહીં, પણ સંકટ સમજીને ગામના લોકોએ ફસાયેલી છોકરીઓને બચાવવાનું કામ કર્યું હતું.

મહારાષ્ટ્રના અહિલ્યાનગરના ખડકી ગામનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે ત્રણ છોકરીઓ પાણીમાં ફસાઈ ગઈ હતી.

જ્યારે ખબર મળ્યા કે રાહત અને બચાવ માટે આવી રહેલી NDRF ટીમ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ છે, ત્યારે પરિસ્થિતિની ગંભીરતા જોઈને, ખડકી ગામમાં રહેતા ભારતીય સેનાના સૈનિક હવાલદાર સાગર ગાયકવાડે ગામના યુવાનો સાથે મળીને તેમના ગામની દીકરીઓને બચાવવા બચાવ કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું.

હાલમાં કાશ્મીરમાં પોસ્ટેડ ભારતીય સૈન્યનો જવાન સાગર હાલ રજા પર પોતાના ગામમાં છે. હવાલદાર ગાયકવાડે ગામના યુવાનોની એક ટીમ બનાવી અને પછી દોરડાની વ્યવસ્થા કરી હતી.

નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ઝડપી હોવાથી દોરડું સીધું ટ્રોલી સુધી લઈ જવાને બદલે દોરડું એલ આકારમાં બાંધવામાં આવ્યું હતું. યુવાનોને તેમની ઊંચાઈ અનુસાર ઊભા રાખવામાં આવ્યા હતા. જે છોકરાઓ તરી શકતા હતા તેમને આગળ મોકલવામાં આવ્યા.

જોકે, પાણીના જોરદાર પ્રવાહને કારણે દોરડું હાથમાંથી સરકી જતું હતું, તેથી દોરડું છોકરાઓના કમર સાથે પણ બાંધી દેવામાં આવ્યું હતું. આ પછી, લગભગ એક કલાકના અથાક પ્રયાસો બાદ ત્રણે છોકરીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ ગામના યુવાનોએ પોતાની બહાદુરીનો પરિચય કરાવ્યો હતો.

 

(6:42 PM IST)