News of Wednesday, 28th May 2025
દેશમાં કોરોનાનો વધતો કહેર :અત્યાર સુધીમાં 1,010 એક્ટિવ કેસ: જાણો રાજ્યોવાર સ્થિતિ?
કેરળ અને મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો: દિલ્હી 99 નવા કેસ સાથે ત્રીજા સ્થાને:ગુજરાત, કર્ણાટક, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પણ કોવિડ-19ના કેસોમાં વધારો

નવી દિલ્હી :દેશમાં ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. નવીનતમ માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 1010 દર્દીઓ ચેપગ્રસ્ત જોવા મળ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સક્રિય કેસોની સંખ્યા વધુ છે.
ભારતમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં 1,010 સક્રિય કોરોના વાયરસ કેસ છે. માહિતી અનુસાર, કેરળ અને મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. કેસોમાં આ વધારો 2 નવા વેરિએન્ટ NB.1.8.1 અને LF.7 મળી આવ્યા છે, જે હાલમાં વૈશ્વિક આરોગ્ય અધિકારીઓ દ્વારા દેખરેખ હેઠળ છે. ભારત ઉપરાંત, સિંગાપોર, ચીન, થાઇલેન્ડ અને હોંગકોંગ જેવા અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર આંકડા મુજબ, કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. કેરળમાં 430 કેસ નોંધાયા છે, જેમાંથી 335 નવા છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં 154 નવા ચેપ સાથે 210 કેસ નોંધાયા છે. દિલ્હી 99 નવા કેસ સાથે ત્રીજા સ્થાને છે, જેનાથી કુલ કેસોની સંખ્યા 104 થઈ ગઈ છે. ગુજરાત, કર્ણાટક, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પણ કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
સોમવારે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ બોડીએ કોવિડ-19 ને કારણે તેનું પહેલું મૃત્યુ નોંધાવ્યું, જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું વાયરસથી મૃત્યુ થયું. રાજ્યના કેટલાક ભાગોમાં કેસોમાં વધારો થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ચાર કોવિડ-૧૯ ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા. આમાંથી એક મહિલાનું મૃત્યુ થયું, બીજા દર્દીને મધ્યમ લક્ષણો સાથે સારવાર બાદ રજા આપવામાં આવી, ત્રીજા દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ચોથા દર્દીને વધુ સારવાર માટે કાલવાની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
દિલ્હીમાં 104 સક્રિય COVID-19 કેસ છે. સોમવારે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખાતરી આપી હતી કે શહેરની બધી હોસ્પિટલો સંપૂર્ણપણે તૈયાર છે અને લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું, સરકારે COVID-19 કેસોની સંપૂર્ણ નોંધ લીધી છે. અમારી હોસ્પિટલો સંપૂર્ણપણે તૈયાર છે; ગભરાવાની કોઈ જરૂર નથી. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. દિલ્હીમાં કોવિડ કેસ અંગે, દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ કુમાર સિંહે કહ્યું, "હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે અહીં 'ખતરનાક' શબ્દનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. પરિસ્થિતિ બિલકુલ ચિંતાજનક નથી. કોઈ ગંભીર કેસ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. લોકો ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
