<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

GSTએમ્‍નેસ્‍ટી સ્‍કીમનો લાભ લેનારને પણ વ્‍યાજ અને દંડ ભરવાની નોટિસ

જીએસટીઆર-૧ અને ૩બી ડેટા મિસમેચમાં સ્‍કીમનો લાભ નહીં મળે : જીએસટી ભરપાઈ કરે તો વ્‍યાજ અને દંડ માફી આપવાની જાહેરાત થઈ હતી

મુંબઈ,તા.૨૯: જીએસટીમાં વેપારી ટેક્‍સની રકમ ભરપાઈ કરે દે તેવા કિસ્‍સામાં તેઓ પાસેથી વ્‍યાજ અને દંડની વસૂલાત કરવામાં નહીં આવે તે માટે એમ્‍નેસ્‍ટી સ્‍કીમ લાવવામાં આવી હતી. આ સ્‍કીમમાં ટેક્‍સની રકમ ભરપાઈ કરી દીધી હોવા છતાં કેટલાક કિસ્‍સામાં તમને એમ્‍નેસ્‍ટી સ્‍કીમનો લાભ નહીં મળે તેવું જણાવીને વેપારીઓને નોટિસ મોકલવામાં આવતા વિવાદ થયો છે, કારણ કે કેટલાક અધિકારીઓ કાયદામાં આવી કોઈ જોગવાઈ કે નિયમ નહીં હોવા છતાં વ્‍યાજ અને દંડ ભરવાની નોટિસ આપતા વિવાદ સર્જાયો છે.

એમ્‍નેસ્‍ટી સ્‍કીમ લાવવામાં આવી ત્‍યારે વેપારીઓએ જીએસટી નંબર ખોટો લખાયો હોય, ઈ-વે બિલમાં નાની સરખી ભૂલ હોય, ક્રેડિટ વધારે લીધી હોય, સામેવાળા વેપારીએ જીએસટી ભરવામાં મોડું કર્યુ હોય. તેવા કિસ્‍સામાં પણ ટેક્‍સ, દંડ અને વ્‍યાજ ભરવા માટે નોટિસ આપી હોય છે. સાથે સાથે ડેટા મિસમેચ હોવાના લીધે ટેક્‍સ ઓછો ભર્યો હોય તેમાં પણ એમ્‍નેસ્‍ટી સ્‍કીમનો લાભ વેપારીને મળવાનો છે. આ માટેના ફોર્મ વેપારીએ ભરી દેવાની સાથે ટેક્‍સની રકમ પણ કેટલાક વેપારીઓએ ભરી દીધી છે. પરંતુ જીએસટીઆર-૧ અને ૩બીના ડેટા મિસમેચ હોવાના કિસ્‍સામાં જીએસટી અધિકારીએ એમ્‍નેસ્‍ટી સ્‍કીમનો લાભ મળશે નહીં તેવું જણાવીને વેપારીઓને નોટિસ આપવાનું શરૂ કર્યુ છે. તેમાં જે ટેક્‍સની રકમ ઓછી ભરી હોવાનું જણાવીને વેપારીને ટેક્‍સ ઉપરાંત દંડ અને વ્‍યાજ ભરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસમાં એવું પણ જણાવવામાં આવ્‍યું છેકેપરિપત્ર નંબર ૨૩૮/૩૧/૨૦૨૪માં આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નહીં હોવાના લીધે વ્‍યાજ અને દંડ ભરવો પડશે, પરંતુ આ અંગે જાણકારો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એમ્‍નેસ્‍ટી સ્‍કીમ ટેકસ વસૂલાત માટે લાવવામાં આવી છે. તેમાં નિયમ પ્રમાણે વેપારી ટેક્‍સની રકમ ભરપાઇ કરવામાં આવે તો દંડ અને વ્‍યાજમાફી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં અધિકારીઓ નિયમોનું પોતાની રીતે અર્થઘટન કરીને નોટિસ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે.

(10:10 AM IST)