<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ટીબી મુક્ત ભારત અભિયાનમાં ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ : નવા દર્દીઓમાં 34% અને મૃત્યુદરમાં 37% નો આશ્ચર્યજનક ઘટાડો : કેન્દ્ર સરકાર દ્વારા 'મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ' શ્રેણીમાં પ્રથમ સ્થાન!

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતું ગુજરાત : આધુનિક નિદાન, પોષણયુક્ત આહાર અને શ્રેષ્ઠ સારવાર થકી ટીબી સામે લડાઈમાં અગ્રેસર : મૃત્યુદરમાં 50% સુધીનો વધુ ઘટાડો નોંધાયો!

ગાંધીનગર, 29 મે, 2025: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018 માં શરૂ કરેલા "ટીબી નિમૂર્લન કાર્યક્રમ" હેઠળ ગુજરાત સરકારે સરાહનીય કામગીરી કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદરમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જેના પરિણામે કેન્દ્ર સરકારે ગુજરાતને "સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ" શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે મૂક્યું છે.
ગુજરાત સરકારના એક અહેવાલ મુજબ, રાજ્યમાં વર્ષ 2015 ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે આરોગ્ય ક્ષેત્રે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્ય સરકારના અવિરત પ્રયાસો અને આંકડાકીય સિદ્ધિઓ
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે, "ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર અને શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને સ્વસ્થ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે." તેમના નેતૃત્વ હેઠળ, રાજ્યમાં ટીબીના દર્દીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોના ડેટા દર્શાવે છે કે, ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં સાતત્યપૂર્ણ પ્રગતિ જોવા મળી છે: વર્ષ 2022 માં 1,42,133, વર્ષ 2023 માં 1,33,677, અને વર્ષ 2024 માં 1,33,805 દર્દીઓની નોંધણી થઈ છે. તેની સામે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ પ્રભાવશાળી રહી છે: વર્ષ 2022 માં 1,30,438, વર્ષ 2023 માં 1,22,588, અને વર્ષ 2024 માં 1,24,671 ટીબીની બિમારીને મ્હાત આપીને સાજા થયા છે.
વર્ષ 2025 (જાન્યુઆરી થી એપ્રિલ) ની સ્થિતિ વધુ પ્રોત્સાહક છે. આ સમયગાળા દરમિયાન 45,282 નવા ટીબી દર્દીઓની નોંધણી થઈ છે, અને અત્યાર સુધીમાં રજીસ્ટ્રર થયેલા દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા માત્ર 1011 છે, જે વર્ષ 2024-25 માં આ જ સમયગાળા દરમિયાન 2201 હતી. આમ, ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં 50% નો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે રાજ્ય સરકારના પ્રયાસોની સફળતા દર્શાવે છે.
આધુનિક નિદાન અને સુવિધાઓનો વ્યાપ
ટીબીના દર્દીઓ સ્વસ્થ થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા પ્રોટોકોલ મુજબ, ટીબી નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજોખમી (હાઈ રિસ્ક) અને ઓછા જોખમી (લો રિસ્ક) શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે.
અતિજોખમી ટીબીના દર્દીઓની સારવાર માટે સબ-ડિસ્ટ્રીક્ટથી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધી તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દવા શરૂ થયાના 15 દિવસ બાદ અને ત્યારબાદ 2 મહિના પછી સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. છ મહિનાનો દવાનો કોર્ષ પૂર્ણ થયા બાદ દર્દીની ટ્રુનેટ (TrueNat) થી બલગમના ટેસ્ટ સાથે એક્સ-રે આધારિત મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં ટીબીના દર્દીઓના નિદાન માટે 2,251 નિ:શુલ્ક સૂક્ષ્મ પ્રયોગશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડ્રગ રેજીસ્ટંટ ટીબી (હઠીલા ટીબી) સહિતના ટીબીના નિદાન માટે 3 ટીબી કલ્ચર પ્રયોગશાળા, 74 CBNAT મશીન અને 141 TRUNAT મશીનની સેવા ઉપલબ્ધ છે. વધુમાં, રાજ્યના પ્રત્યેક તાલુકામાં ટીબી નિદાન માટેના ટ્રુનેટ મશીન ઉપલબ્ધ બને તે માટે નવીન 181 મશીનની ખરીદી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે, જે નિદાનની પ્રક્રિયાને વધુ ઝડપી અને સુલભ બનાવશે.
નિક્ષય પોષણ યોજના અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન
ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયાની સહાયતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી દર્દીના ખાતામાં જમા કરવામાં આવે છે. ગુજરાતે આ યોજના હેઠળ પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. વર્ષ 2024 માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ 46.50 કરોડ રૂપિયાની સહાય DBT મારફતે જમા કરાવાઈ છે.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં 10,832 નિક્ષય મિત્રનું રજીસ્ટ્રેશન નિક્ષય પોર્ટલ પર કરવામાં આવ્યું છે. જેમાં N.G.O., C.S.R, અને સ્થાનિક નિકાય સદસ્યોનો સમાવેશ થાય છે. નિક્ષય મિત્રના માધ્યમથી વર્ષ 2022 થી અત્યાર સુધીમાં ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા કુલ 3,79,382 પોષણ કિટનું વિતરણ કરાયું છે, અને વર્ષ 2025 થી અત્યાર સુધીમાં કુલ 18,000 પોષણ કિટનું વિતરણ થયું છે.
રાજ્યમાં ટીબીના દરમાં સતત ઘટાડો થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનનો સંકલ્પ સાર્થક થાય તે દિશામાં ગુજરાત સરકારના અવિરત પ્રયાસો ચાલુ છે. આ સિદ્ધિઓ ગુજરાતને સ્વસ્થ અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.

 

(11:02 AM IST)