News of Thursday, 29th May 2025
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો હિન્દુ ધર્મ વિશેનો ચોંકાવનારો પત્ર પૂજ્ય મોરારીબાપુએ નાલંદા રામકથામાં વાંચ્યો : "ભગવદ ગીતા અને રામાયણમાં છુપાયા છે અવકાશના અદભુત રહસ્યો!" : જુઓ વિડિઓ
નવ મહિના અવકાશમાં ફસાયા બાદ ચમત્કારિક અનુભવો : નવરાત્રી ઉપવાસથી જીવનબચ્યું : સંસ્કૃત મંત્રોચ્ચારનો અનુભવ થયો, અને ઉલ્કાઓથી રક્ષા કરતો દૈવી પ્રકાશ દેખાયો

જામનગર, 29 મે, 2025: પૂજ્ય મોરારીબાપુએ ગઈકાલે નાલંદા વિશ્વવિદ્યાલય ખાતે ચાલી રહેલી 957મી રામકથા 'માનસ નાલંદા વિશ્વવિદ્યાલય' ના પાંચમા દિવસે, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (પૂર્વ અટક: પંડ્યા) દ્વારા લખાયેલો હિન્દુ ધર્મ અને તેમના અવકાશી અનુભવો વિશેનો એક ચોંકાવનારો પત્ર શ્રોતાઓ સમક્ષ વાંચ્યો હતો. આ પત્ર જયંતિભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેમણે સુનિતા વિલિયમ્સની અંગ્રેજી પોસ્ટનું હિન્દી અને ત્યારબાદ ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.
પૂજ્ય બાપુએ પત્ર વાંચતા પહેલા સુનિતા વિલિયમ્સને 'પૃથ્વીની દીકરી' અને 'આકાશની દીકરી' ગણાવતા જણાવ્યું હતું કે, નવ મહિના આકાશના ગર્ભમાં રહી પૃથ્વી પર પાછા ફર્યા બાદ તેમણે પત્રકારો સમક્ષ એક નિવેદન આપ્યું હતું, જેની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.
સુનિતા વિલિયમ્સના પત્રના ચોંકાવનારા અંશો:
સુનિતા વિલિયમ્સ પોતાના પત્રમાં લખે છે કે, તેઓ એક અઠવાડિયાના મિશન માટે અવકાશમાં ગયા હતા, પરંતુ તેમને નવ મહિના અવકાશમાં રહેવું પડ્યું. આ સમયગાળા દરમિયાન, તેમનો ખોરાક અને પાણી ખતમ થવા લાગ્યું હતું, ત્યારે તેમને વિચાર આવ્યો કે તેઓ કેવી રીતે બચશે? મૃત્યુની પ્રતિક્ષા કરી રહી હતી ત્યારે તેમને તેમના પૂર્વજો પાસેથી સાંભળેલ સનાતન ધર્મની ચૈત્રી નવરાત્રીના ઉપવાસનો વિચાર આવ્યો. તેમણે તે જ દિવસથી સાંજે થોડું ખાઈ અને સવારે થોડું પાણી પી ઉપવાસ કરવાનું શરૂ કર્યું. એક મહિના પછી, તેમને થોડી સ્વસ્થતા અને પ્રસન્નતાનો અનુભવ થયો, અને તેમને લાગ્યું કે તેઓ થોડા વધુ દિવસ અવકાશમાં રહી શકશે.
બાઈબલથી રામાયણ-ભગવદ ગીતા તરફનો વળાંક:
સુનિતા વિલિયમ્સ આગળ લખે છે કે, જ્યારે તેઓ મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા હતા, ત્યારે તેમણે કોમ્પ્યુટર ચાલુ કર્યું અને બાઈબલ વાંચવાનો વિચાર કર્યો. ભૂતકાળમાં તેમણે ઘણી વખત બાઈબલ વાંચ્યું હતું, તેથી તેમણે તેનું વાંચન શરૂ કર્યું. પરંતુ એક-બે પાના વાંચ્યા પછી તેમને કંટાળો આવવા લાગ્યો. ત્યારબાદ તેમણે રામાયણ અને ભગવદ ગીતાના પાઠ વાંચવાનું શરૂ કર્યું. પૂજ્ય બાપુએ આ મુદ્દે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, આનાથી વધારે તેમના માટે આનંદ કયો હોય?
સુનિતા વિલિયમ્સ કહે છે કે તેમણે કોમ્પ્યુટરમાંથી ગીતા અને રામાયણનો અંગ્રેજી અનુવાદ ડાઉનલોડ કર્યો. દસ-પંદર પાના વાંચ્યા પછી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને તેમાંથી ગર્ભવિજ્ઞાન, ઊંડા સમુદ્ર અને આકાશના ઘણા રહસ્યો વિશેની જાણકારી ખૂબ જ અદભુત લાગી. ત્યારે તેમને લાગ્યું કે જો તેઓ જીવંત રહેશે અને પૃથ્વી પર પાછા ફરશે, તો આ વાત તેઓ સમગ્ર વિશ્વને જણાવશે.
અવકાશમાં સંસ્કૃત મંત્રોચ્ચાર અને દૈવી સુરક્ષા:
અવકાશમાંથી સૂર્યને જોતા તેમને એવું લાગતું હતું કે જાણે સૂર્ય કાદવના ખાડામાં બેઠો હોય. સુનિતા વિલિયમ્સ દાવો કરે છે કે ક્યારેક ક્યારેક તેમને ઉપરથી કોઈ અવાજ આવતો હોય તેવું લાગતું અને તેઓ તેને સાંભળતા હતા. આ અવાજ સંસ્કૃત કે હિન્દીમાં થતા મંત્રોચ્ચારનો હતો. આ મંત્રોચ્ચારનો અવાજ તેમની સાથે અવકાશમાં મુસાફરી કરતા વ્યક્તિએ પણ સાંભળ્યો હતો. જ્યારે તેમણે પોતાના સાથીને આ વિશે પૂછ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે, "તું દરરોજ રામાયણ અને ભગવદ ગીતા વાંચે છે તેનો આ આશીર્વાદ છે. કોઈ આશીર્વાદ આપી રહ્યા છે."
તેઓ આગળ લખે છે કે, ઘણીવાર તેમના અવકાશ મથક તરફ ઉલ્કાઓ આવતી અને તેમની વૈજ્ઞાનિક સમજ પ્રમાણે તેઓ ડરી ગયા કે આ ઉલ્કા તેમના અવકાશયાન સાથે ટકરાશે તો તેઓ બચી શકશે નહીં. ત્યારે તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને ત્યારે એક તેજસ્વી ગોળ પ્રકાશ તેમની તરફથી ઉલ્કા તરફ જઈ ઉલ્કાનો નાશ કરતો હતો. તેમને એવું લાગતું હતું કે આ પ્રકાશ તેમના યાનમાંથી જ ઉલ્કાનો નાશ કરે છે.
સુનિતા વિલિયમ્સ આ પત્રમાં જણાવે છે કે તેમણે આઠ મહિનામાં ભગવદ ગીતા અને રામાયણનું સંપૂર્ણ વાંચન કર્યું હતું. ત્યારબાદ તેમને એવું લાગવા માંડ્યું કે તેઓ પૃથ્વી પર અવશ્ય પરત ફરશે. એક આત્મવિશ્વાસથી ભરેલા થઈને એપ્રિલ મહિનામાં, જ્યારે સૂર્યાસ્ત થતો હતો, ત્યારે તેમણે એક સિંહ જેવું પ્રાણી માતા દેવી સાથે હાથમાં ત્રિશુલ લઈને પૃથ્વી તરફ જતું જોયું. એક વૈજ્ઞાનિક સમજણના આધારે તેમને લાગ્યું કે આકાશમાં ઘણા આવરણો છે.
તેઓ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લખાયેલા એક લેખનો પણ ઉલ્લેખ કરે છે કે હાર્ષલ નદી પર ચંદ્ર દેખાયો. સનાતન વ્રત બીજી માર્ચથી શરૂ કર્યા બાદ આવી ઘટનાઓ જોઈ, તેમને લાગ્યું કે આ કોઈ દૈવી સંકેત હતો અને તેઓ પૃથ્વી પર પાછા ફર્યા.
વેદ-વિજ્ઞાન પર સંશોધન અને ભવિષ્યની યોજના:
સુનિતા વિલિયમ્સને હવે દ્રઢ ભરોસો થઈ ગયો છે કે સનાતન ધર્મ, ભગવદ ગીતા અને રામાયણ આ ત્રણેયમાં બહુ જ સામર્થ્ય અને શક્તિ છે. તેમણે જણાવ્યું કે હવે તેમનું સંશોધન વેદ-વિજ્ઞાન પર ચાલુ થશે. આ સંશોધન ગર્ભશાસ્ત્ર, અવકાશશાસ્ત્ર અને સમુદ્રની ઊંડાઈ આધારિત રહેશે. તેઓ હવે વેદોની અલૌકિક શક્તિઓનો અનુભવ કરશે. તેમણે નાસામાં એક પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ તેમને શંકા છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ વિભાગ શરૂ કરવા માટે જરૂરી ભંડોળ આપશે કે કેમ. (સૂત્રોના જણાવ્યા મુજબ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાની અંગત ઉપયોગી રકમમાંથી આ રકમ આપશે તેવું જાણવા મળ્યું છે.)
BBC ના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા સુનિતા વિલિયમ્સ અંતમાં લખે છે કે, વિશ્વએ વેદ, રામાયણ, ભગવદ ગીતા, શિવપુરાણ અને ઉપનિષદોનો આદર કરવો જોઈએ. પત્રના અંતે તેમણે "જય હિન્દુ સનાતન ધર્મ" લખ્યું છે.
પૂજ્ય મોરારીબાપુએ આ પત્ર વાંચીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને શ્રોતાઓ સમક્ષ તેને રજૂ કર્યો હતો. (સંકલન: મુકુંદ બદિયાણી, જામનગર).
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
