News of Thursday, 29th May 2025
'શશિ થરૂરની વાત સાથે હું સંમત છું…' : કોંગ્રેસ સાંસદ પર પક્ષનો વધુ એક પ્રહાર : પવન ખેડાએ થરૂરના જ 2018ના પુસ્તકનો આપ્યો હવાલો
ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતીય કાર્યવાહીની પ્રશંસા કરવા બદલ શશિ થરૂર કોંગ્રેસમાં આલોચનાનો ભોગ બન્યા : ઉદિત રાજે 'ભાજપના સુપર પ્રવક્તા' ગણાવ્યા : હવે પવન ખેડાએ પોતાના જ પુસ્તકથી થરૂર પર કટાક્ષ કર્યો

I agree with that Dr @ShashiTharoor who wrote about surgical strikes in his book in 2018 - ‘The Paradoxical Prime Minister’. #ReadingNow pic.twitter.com/hAhsfwH0JT
— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) May 29, 2025
નવી દિલ્હી, 29 મે, 2025: 'ઓપરેશન સિંદૂર' ને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર વિદેશમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન, પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની તેમણે ઘણીવાર પ્રશંસા કરી છે. જોકે, તેમની આ પ્રશંસા કોંગ્રેસના જ કેટલાક નેતાઓને પચી રહી નથી અને તેઓ સતત થરૂરની આલોચના કરી રહ્યા છે.
પહેલાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે શશિ થરૂરને 'ભાજપના સુપર પ્રવક્તા' ગણાવ્યા હતા. હવે કોંગ્રેસના વધુ એક નેતા પવન ખેડાએ થરૂર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પવન ખેડાએ થરૂરના જ પુસ્તક 'ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર'નો હવાલો આપીને તેમના પર કટાક્ષ કર્યો છે.
પવન ખેડાએ શું કહ્યું?
પવન ખેડાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે, જેમાં તેમણે થરૂરના પુસ્તકના એક પાનાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. પોસ્ટમાં ખેડાએ લખ્યું છે કે, "હું ડો. શશિ થરૂર દ્વારા 2018માં તેમના પુસ્તક 'ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર'માં સર્જિકલ સ્ટ્રાઇક વિશે લખેલા લેખ સાથે સંમત છું."
હવે સવાલ એ થાય કે આ પુસ્તકમાં એવું શું લખ્યું છે, જેના કારણે પવન ખેડાએ કોંગ્રેસ સાંસદ પર કટાક્ષ કર્યો છે. આ પુસ્તકમાં લખ્યું છે કે, "LoC પર 2016માં પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને મ્યાનમારમાં વિદ્રોહીઓની શોધમાં કરાયેલી સૈન્ય કાર્યવાહીનો શરમજનક રીતે ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આવી બકવાસ ક્યારેય કરી નથી."
ઉદિત રાજનો અગાઉનો પ્રહાર:
આ પહેલા કોંગ્રેસ નેતા ઉદિત રાજે શશિ થરૂર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેમને ભાજપના મુખ્ય પ્રવક્તા જાહેર કરી દેવા જોઈએ. ઉદિત રાજે 'X' પરની પોસ્ટમાં કહ્યું હતું કે, "પ્રિય શશિ થરૂર, અફસોસ! હું વડાપ્રધાન મોદીને આની પહેલ કરવા વિનંતી કરી શકું છું કે તેઓ તમને ભાજપના મુખ્ય પ્રવક્તા જાહેર કરી દે, અહીં સુધી કે ભારત પાછા ફરતા પહેલા તમને વિદેશ મંત્રી પણ જાહેર કરી દે."
ઉલ્લેખનીય છે કે, પનામામાં થરૂરે કહ્યું હતું કે, ભારતે 2016માં આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની LoC (લાઇન ઓફ કંટ્રોલ) પાર કરી હતી. થરૂરના આ નિવેદનને કારણે પક્ષમાં આંતરિક વિવાદ વધુ ઘેરો બન્યો છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
