<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

અમેરિકામાં ડિંગુચા પરિવારના મોતનો કેસ : ગેરકાયદે ઘૂસણખોરીના સૂત્રધાર હર્ષ પટેલને અમેરિકામાં 10 વર્ષ 1 મહિનાની જેલ, સહયોગીને પણ સજા!

ગુજરાતના જગદીશ પટેલ સહિત ચારના બરફીલા ઠંડીમાં થીજી જવાથી કરૂણ મોત થયા હતા : 'ડર્ટી હેરી' તરીકે જાણીતો હર્ષ પટેલ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવતો હતો : માનવ તસ્કરીના નેટવર્કને મોટો ફટકો

મિનેસોટા, 29 મે, 2025: ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના પ્રયાસમાં ગુજરાતના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે મૂળ ગુજરાતી હર્ષ રમણલાલ પટેલની ભૂમિકા સામે આવી હતી, જે લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવતો હતો. આ કેસમાં અમેરિકાના મિનેસોટાના ફેડરલ જજ જૉન ટુનહેમે આજે હર્ષ પટેલને 10 વર્ષ અને એક મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત, આ કેસમાં હર્ષ પટેલના સાથીદાર અને કેનેડા સરહદેથી ગેરકાયદે ઘૂસણખોરી કરાવનારા સ્ટીવ એન્થની શેન્ડને પણ છ વર્ષ અને છ મહિનાની સજા સંભળાવવામાં આવી છે.
ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસમાં થયા હતા મોત:
આ કેસની વિગત એવી છે કે, 19 જાન્યુઆરી 2022ના રોજ ગુજરાતના ડિંગુચા ગામનો પટેલ પરિવાર – 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષીય પુત્રી વિહંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક – કેનેડાની સરહદેથી ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, કાતિલ ઠંડીમાં ઠુઠવાઈ જવાથી આ ચારેય લોકોના કરૂણ મોત થયા હતા. રોયલ કેનેડિયન પોલીસે મેનિટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ શોધી કાઢ્યા હતા.
અમેરિકન પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતી મૂળનો અમેરિકન અને 'ડર્ટી હેરી'ના નામથી જાણીતો હર્ષકુમાર રમણલાલ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ સહિતના વિઝા પર કેનેડા લાવતો હતો. ભારતીયોને કેનેડા લાવવા સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી, પરંતુ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનું ભયાનક નેટવર્ક તે ચલાવતો હતો.
મૃત્યુ પામેલા પરિવારની હૃદયદ્રાવક કહાણી:
આ દંપતિ શિક્ષક તરીકે કામ કરતું હતું અને અન્ય ગામવાસીઓની જેમ તેઓ પણ સારુ જીવન જીવવા માટે વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. અમેરિકન વકીલ માઇકલ મેકબ્રાઈટે નોંધ્યું હતું કે, "ધાર્મિકના ચહેરાને કાતિલ બરફીલા પવનથી બચાવવામાં જગદીશ પટેલનું મોત થયું હતું." વિહંગીએ પણ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે અપૂરતા કહી શકાય તેવા બૂટ અને ગ્લોવ્ઝ પહેર્યા હતા. જ્યારે માતા વૈશાલી વાડ પર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવી હતી, તે ચોક્કસપણે ઠંડીથી બચવા જ ત્યાં ગઈ હશે. આ સમયે નજીકનું વેધર સ્ટેશન -38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બતાવતું હતું.
આ દરમિયાન, કાતિલ ઠંડી વચ્ચે ચાલીને સરહદ વટાવવાના પ્રયાસમાં માત્ર સાત લોકોને જ સફળતા મળી હતી, પરંતુ ડ્રાઈવર એન્થની શેન્ડની વાન સુધી માંડ બે લોકો જ પહોંચી શક્યા હતા. સરહદ પાર કરતી વખતે બચી ગયેલી એક મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી કારણ કે તે હાઈપોથર્મિયાનો ભોગ બની હતી. આ સિવાય બચી ગયેલી અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "અમે જીવનમાં ક્યારેય આટલો બરફ જોયો ન હતો. અહીં અમારા એજન્ટે અમને ઠંડીથી બચવા પૂરતા વસ્ત્રો આપ્યા ન હતા, તેથી અન્ય લોકોના મોત થયા હતા."
ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે અમેરિકન ફેડરલ પ્રોસિક્યુટરે હર્ષ પટેલને 20 વર્ષ અને ડ્રાઈવર સ્ટીવ એન્થની શેન્ડને 11 વર્ષની સજાની ભલામણ કરી હતી. આ ચુકાદો માનવ તસ્કરીમાં સંકળાયેલા તત્વો માટે એક કડક સંદેશ સમાન છે.

 

(2:23 PM IST)