<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

‘ઓપરેશન સિંદુરે' પાકિસ્‍તાનને દેખાડી દીધુ કે ભારત શું કરી શકે છે

વડાપ્રધાન સિક્કમમાં વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી સંબોધન કર્યુ : ‘આતંકીસ્‍તાન'ને આડે હાથ લીધુ

નવી દિલ્‍હી, તા.૨૯: ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેમનો સિક્કિમ પ્રવાસ રદ કરવો પડ્‍યો. આ કારણે, પીએમ મોદી સિક્કિમના રાજ્‍યના ૫૦મા વર્ષગાંઠની ઉજવણી માટે ગંગટોક જઈ શકયા નહીં. તેના બદલે, તેમણે બાગડોગરાથી વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા સિક્કિમના લોકોને સંબોધિત કર્યા.

સિક્કિમના લોકોને સંબોધિત કરતી વખતે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પાકિસ્‍તાન સમજી ગયું છે કે તે ભારત સાથે સ્‍પર્ધા કરી શકતું નથી. ‘ઓપરેશન સિંદૂર'માં, તેણે જોયું છે કે ભારત શું કરી શકે છે.

વાસ્‍તવમાં, પીએમ મોદી ૫૦ વર્ષ પૂર્ણ થવા પર સિક્કિમની પ્રવાસન વિવિધતાની પ્રશંસા કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે પહેલગામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, સિક્કિમના બધા લોકો પર્યટનની શક્‍તિને સારી રીતે જાણો છો અને સમજો છો. પર્યટન માત્ર મનોરંજન નથી, તે વિવિધતાનો ઉત્‍સવ છે, પરંતુ આતંકવાદીઓએ પહેલગામમાં જે કર્યું તે ફક્‍ત ભારતીયો પર હુમલો નહોતો. ‘આ માનવતાના આત્‍મા પર હુમલો હતો, ભાઈચારાની ભાવના પર હુમલો હતો.'

પીએમ મોદીએ કહ્યું, આતંકવાદીઓએ આપણા ઘણા પરિવારોની ખુશી છીનવી લીધી. તેમણે આપણને ભારતીયોને વિભાજીત કરવાનું કાવતરું પણ ઘડ્‍યું. આજે આખી દુનિયા જોઈ રહી છે કે ભારત પહેલા કરતાં વધુ એક થઈ ગયું છે. અમે એક થયા અને આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાઓને સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો. અમે ‘ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદીઓને યોગ્‍ય જવાબ આપ્‍યો.

તેમણે કહ્યું કે આતંકવાદી ઠેકાણાના વિનાશથી ગુસ્‍સે થયેલા પાકિસ્‍તાને આપણા નાગરિકો અને સૈનિકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં પણ પાકિસ્‍તાનનો પર્દાફાશ થયો. અમે તેમના ઘણા એરબેઝનો નાશ કર્યો અને બતાવ્‍યું કે ભારત શું કરી શકે છે. તે કેટલી ઝડપથી કરી શકે છે, તે કેટલી સચોટ રીતે કરી શકે છે.

(3:34 PM IST)