<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વચ્ચે શુભેચ્છા મુલાકાત : પ્રાકૃતિક કૃષિ અને સહકાર આંદોલન પર સકારાત્મક ચર્ચા!

સહકાર અને પ્રાકૃતિક ખેતીનો સંગમ ભારતને આત્મનિર્ભર બનાવશે - અમિતભાઈ શાહ : ગ્રામીણ ભારતમાં સહકારી સંસ્થાઓ દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા પર ભાર

નવી દિલ્હી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત અત્યંત વિચારપ્રેરક રહી, જેમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સહકારી ક્ષેત્રના સહયોગ વિષયે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી.
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે આશા વ્યક્ત કરી હતી કે, સહકાર અને પ્રાકૃતિક ખેતીનો સંગમ ભારતને માત્ર આત્મનિર્ભર જ નહીં બનાવે, પરંતુ દેશને એક સ્થાયી, આરોગ્યપ્રદ અને પર્યાવરણીય સુરક્ષા સાથેના ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. તેમણે આ બંને ક્ષેત્રોના સુભગ સમન્વયથી રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વેગ મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું કે, સહકારી સંસ્થાઓની સક્રિય ભાગીદારીથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ઊંડે ઊંડે સુધી, છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડી શકાશે. તેમણે ખાસ કરીને ગ્રામીણ ભારતમાં સહકારિતાનું માળખું ખૂબ મજબૂત હોવાનું અને તે ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ પહોંચાડવામાં તથા તેમને અપનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે વાત પર ભાર મૂક્યો.
આગામી દિવસોમાં ગુજરાત રાજભવનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા વર્ષ 2025ને 'આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ' તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, જેના વૈશ્વિક વિષય – ‘Cooperatives Build a Better World’ – એટલે કે 'સહકાર એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ કરે છે' – ની ભાવનાને વધુ સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા અને ખેડૂતો સાથે સીધા જોડાણ જેવા મુદ્દાઓ પર વિશદ્ ચર્ચા કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંતમાં દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રાકૃતિક ખેતી અને સહકારનો આ સંગમ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યની સિદ્ધિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, અને તે દેશના કૃષિ ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે.

 

(8:16 PM IST)