News of Thursday, 29th May 2025
પૂંછ જિલ્લાના નાગરિકો માટે તાત્કાલિક રાહત અને પુનર્વસન પેકેજની માંગણી : રાહુલ ગાંધીએ લખ્યો પીએમ મોદીને પત્ર
પૂંછની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પીડિતોની દુર્દશા જોઈ અને કેન્દ્ર સરકારને અસરગ્રસ્ત વિસ્તારો માટે એક વ્યાપક યોજના બનાવવા માંગ કરી :તેમણે સેંકડો ઘરો અને જીવ ગુમાવવા બદલ ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી.

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં તાજેતરમાં પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત નાગરિકો માટે રાહત અને પુનર્વસન પેકેજની માંગ કરી છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં પૂંછની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતા અને તેમની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં તાજેતરમાં પૂંછની મુલાકાત લીધી હતી, જ્યાં પાકિસ્તાની ગોળીબારમાં ચાર બાળકો સહિત 14 લોકો દુઃખદ રીતે માર્યા ગયા હતા અને ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંધાધૂંધ હુમલાથી નાગરિક વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે.
તેમણે લખ્યું કે સેંકડો ઘરો, દુકાનો, શાળાઓ અને ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામ્યા છે, અને ઘણા પરિવારોએ તેમની વર્ષોની મહેનત અને જીવનભરની બચત એક જ ઝાટકે ગુમાવી દીધી છે.
રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં વધુમાં કહ્યું કે પૂંછ અને અન્ય સરહદી વિસ્તારોના લોકો દાયકાઓથી શાંતિ અને ભાઈચારામાં રહી રહ્યા છે. તેમણે લખ્યું, આજે જ્યારે તેઓ આ ઊંડા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આપણી માનવીય અને રાષ્ટ્રીય ફરજ છે કે આપણે તેમના દુ:ખને સમજીએ અને તેમના જીવનને ફરીથી બનાવવા માટે શક્ય તેટલી મદદ કરીએ.
કોંગ્રેસ નેતાએ કેન્દ્ર સરકારને પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારથી પ્રભાવિત પૂંછ અને અન્ય સરહદી વિસ્તારો માટે એક વ્યાપક અને અસરકારક રાહત અને પુનર્વસન યોજના તૈયાર કરવા વિનંતી કરી.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક ભાવનાત્મક વિડીયો સંદેશ પણ શેર કર્યો, જેમાં પૂંચની તેમની મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત લોકો સાથેની તેમની વાતચીત દર્શાવવામાં આવી હતી.
તેમણે લખ્યું, પૂંછનું દર્દ ત્યાં જઈને જ અનુભવી શકાય છે. તૂટેલા ઘરો, વિખેરાયેલા જીવન - આ પીડાના પડઘામાંથી ફક્ત એક જ અવાજ આવે છે - આપણે ભારતીયો એક છીએ. આ મદદ નથી, ફરજ છે. તેમણે લખ્યું કે હું સરકારને વિનંતી નથી કરી રહ્યો પરંતુ તેની જવાબદારી યાદ કરાવી રહ્યો છું - પૂંછ અને પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત અન્ય વિસ્તારો માટે એક નક્કર, ઉદાર અને તાત્કાલિક રાહત અને પુનર્વસન પેકેજ તૈયાર કરવું જોઈએ.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
