News of Friday, 30th May 2025
ફ્રેન્કલિનમાં ગુજરાતી પરિવારની કાર રૉંગ સાઈડમાં આવતી ટ્રક સાથે ધડાકાભેર ભટકાયા બાદ ફંગોળાઈ : બાળકીનું મોત
અકસ્માતમાં કારમાં સવાર 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે પિતા અને પુત્ર સારવાર હેઠળ છે

અમેરિકાના માસાચ્યૂસેટ સ્ટેટના ફ્રેન્કલિન શહેરમાં ગુજરાતી પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે.જેમાં પટેલ પરિવારની કાર રૉંગ સાઈડમાં આવતી ટ્રક સાથે ધડાકાભેર ભટકાયા બાદ ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે પિતા અને પુત્ર સારવાર હેઠળ છે.
મૂળ ગુજરાતી અને અમેરિકા સ્થાયી થયેલા અતુલ પટેલ ગત શનિવારના રોજ પત્ની મીનાબેન અને બે સંતાનો સાથે પુત્રનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે બ્લેક સ્ટોન તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમની કાર ગ્રોવ સ્ટ્રીટ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે જ સામેથી રોંગ સાઈડમાં એક પિક-અપ ટ્રક તેમની કાર તરફ ધસી આવી હતી.
આ સમયે કાર ચલાવી રહેલા અતુલ પટેલે ટક્કર ટાળવા માટે કારને ડાબી બાજુ વાળી જોઈ, પરંતુ માંતેલા સાંઢની માફક ધસી આવેલી ટ્રક તેમની કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, કાર ફંગોળાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને મેડિકલ ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ કારમાંથી એક પછી એક ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હેલિકૉપ્ટરની મદદથી વૉર્સેસ્ટરમાં આવેલ યુમાસ-મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે 5 વર્ષની ક્રિશા નામની બાળકીને મૃત જાહેર કરી છે. જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર પિક અપ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. જેની ટ્રકમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આથી તેણે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
