News of Friday, 30th May 2025
તલાટી વિજિલન્સની ટીમ સામે જ લાંચમાં લીધેલી રૂ.૫૦૦ની નોટો ચાવી ગયો
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં લાંચિયા તલાટીએ ભારે કરી! : તલાટી ગુલશન હૈદર જાતિ પ્રમાણપત્ર અને રહેઠાણના પ્રમાણપત્ર બનાવવાના બદલામાં લાંચ માંગી હોવાની ફરિયાદ કરાઈ હતી

દેહરાદૂન તા.૩૦: સરકારી બાબુઓના લાંચ લેવાના કિસ્સા દેશભરમાં રોજે રોજ સામે આવતા રહે છે. આ વચ્ચે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક તલાટીના લાંચ લેવાના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. તલાટી લાંચ લેતા પકડાઈ જતા તેણે વિજિલન્સની ટીમ સામે જ લાંચમાં લીધેલી નોટો ચાવી લીધી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તલાટીએ કરેલા ‘‘કૌભાંડ'' પર લોકો હસી રહ્યા છે, જ્યારે બીજી તરફ, વિજિલન્સ અધિકારીઓ તેના કળત્યથી થોડા નારાજ છે. હાલમાં વિજિલન્સની કાર્યવાહી ચાલુ છે. આરોપીને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
વાસ્તવમાં, એક ફરિયાદીએ ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન કરીને વિજિલન્સમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તલાટી ગુલશન હૈદર તેના ભાઈઓના જાતિ પ્રમાણપત્ર અને રહેઠાણના પ્રમાણપત્ર બનાવવાના બદલામાં લાંચ માંગી રહ્યો છે. તેણે ૨૬ મેના રોજ તેને ઓળખપત્ર અને બે હજાર રૂપિયા સાથે તાલુકા કચેરીમાં બોલાવ્યો હતો. ફરિયાદને ગંભીરતાથી લેતા, વિજિલન્સે પટવારી ગુલશન હૈદરને રૂ.૨૦૦૦ની લાંચ લેતા રંગે હાથે પકડી લીધો હતો.
વિજિલન્સ આગળની કાર્યવાહી કરી રહ્યું હતું ત્યારે તલાટીએ તક જોઈ અને તરત જ લાંચની નોટો (૫૦૦ રૂપિયાની ચાર નોટો) ચાવી લીધી. વિજિલન્સ સ્ટાફ ઝડપથી કરવામાં આવેલા આ કળત્યને રોકે તે પહેલાં, તલાટીએ નોટો ગળી લીધી હતી. વિજિલન્સ ટીમની સામે બનેલી આ ઘટનાથી બધા ચોંકી ઉઠ્યા હતા. તલાટીને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો અને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
તલાટીનું સીટી સ્કેન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરોને સીટી સ્કેનમાંથી નોટો સંબંધિત કોઈ માહિતી મળી ન હતી. આવી સ્થિતિમાં, તલાટીની ધરપકડ કરવા માટે, વિજિલન્સે પુરાવા માટે તેનું અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવવું પડ્યું. જોકે, અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
વિજિલન્સના ડિરેક્ટર ડો. વી. મુરુગેશને જણાવ્યું કે, હવે વિજિલન્સ ટીમ ડોક્ટર સાથે તલાટીની દરેક પ્રવળત્તિ અને સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. એકસાથે ચાર નોટો ખાધા પછી તેને કોઈ સમસ્યા ન થાય તેની પણ કાળજી લેવામાં આવી રહી છે. જો તબીબી તપાસ રિપોર્ટમાં નોટો જાહેર ન થાય, તો પણ વિજિલન્સ પાસે પૂરતા પુરાવા છે. જેમ કે તલાટીના હાથના કેમિકલ સેમ્પલ સાથે ઓડિયો વિડિયો ક્લિપિંગ્સ.
તબીબી રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશેઃ વિજિલન્સ અનુસાર, તલાટીની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (સુધારા અધિનિયમ ૨૦૧૮) ની કલમ ૭ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૩૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિજિલન્સ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિજિલન્સને આશા છે કે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ તલાટીના પેટમાં ચાવેલી નોટોના ભાગોની હાજરીની પુષ્ટિ કરશે. વિજિલન્સ આ મેડિકલ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરશે. હાલમાં, ૨૭ મેના રોજ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ, વિજિલન્સે તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં દેહરાદૂન જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
