News of Friday, 30th May 2025
હોસ્પિટલમાં દાખલ હોવા છતાં મિત્રના લગ્નમાં હાજરી આપવા આવ્યો હાથ-પગે બાંધ્યા હતા પાટા
ભાઈબંધી તો આવી હોવી જોઈએ : સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે ચાર લોકો એક શખ્સને પકડીને સ્ટેજ પર લઈ જાય છે, જેના હાથમાં પ્લાસ્ટર અને મોં પર પટ્ટી બાંધેલી છે

નવી દિલ્હી તા.૩૦: કહેવાય છે કે દોસ્તીથી વધારે મજબૂત સંબંધ બીજો કોઈ નથી હોતો. એક સાચો દોસ્ત દરેક પરિસ્થિતિમાં દોસ્તી નિભાવે છે. તો વળી જે મિત્રો સાથે બાળપણ વિત્યું હોય, તેમના લગ્નનો દિવસ દરેક મિત્ર માટે કોઈ તહેવારથી કમ નથી હોતો. પણ જરા વિચારો કે તમારા મિત્રના લગ્ન હોય અને તમે હોસ્પિટલમાં દાખલ હોવ તો, શું લગ્નમાં જઈ શકશો? કદાચ નહીં, પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક દોસ્ત હાથમાં પ્લાસ્ટર અને શરીર પર પાટા બાંધ્યા હોવા છતાં દોસ્તના લગ્નમાં હાજરી આપવા આવી પહોંચે છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે ચાર લોકો એક શખ્સને પકડીને સ્ટેજ પર લઈ જાય છે, જેના હાથમાં પ્લાસ્ટર અને મોં પર પટ્ટી બાંધેલી છે. એક શખ્સે તેની યુરિનની થેલી પકડેલી છે. એટલું જ નહીં, આ શખ્સ ઠીકથી ચાલી પણ નથી શકતો. એટલા માટે બીજાના ખભ્ભાનો સહારો લઈને ચાલી રહ્યો છે. જોકે આ બધું હોવા છતાં બધાના ચહેરા પર સ્માઇલ હતી.
જણાવી દઈએ કે, જ્યારે પ્લાસ્ટર અને પટ્ટીની હાલતમાં દોસ્ત સ્ટેજ પર પહોંચે છે, તો વરરાજો પૂછે છે, ‘‘ભાઈ આ શું થઈ ગયું?'' એટલું જ નહીં, દુલ્હન પણ ગંભીરતાથી તેને જોતી રહે છે. વીડિયો જોઈ સ્પષ્ટ લાગી રહ્યું છે કે, એક દોસ્ત પોતાના દોસ્તની ખુશીમાં જરૂર સામેલ થાય છે, પછી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોને ૪૯,૦૩૨થી વધારે લોકો પસંદ કરી ચૂકયા છે અને પોતાનું રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘‘મને તો હસવું નથી રોકાતું.'' એક અન્ય યુઝરે લખ્યું, ‘‘મને લાગ્યું આવી હાલતમાં પણ આ યુવક ડાન્સ કરશે.''
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
