<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી ઉભી રહી ટ્રેન

અજાણી વ્યક્તિઓએ ભીરપુર અને મેજા સ્ટેશન વચ્ચે ડાઉન ટ્રેક પર કાંકરી અને મોટા પથ્થરો મુક્યા હતા: લોકો પાયલટની સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળ્યો

 પ્રયાગરાજ નજીક ભીરપુર અને મેજા રેલવે સ્ટેશન વચ્ચે સુપરફાસ્ટ તેજસ રાજધાની એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ગુરુવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન આવતા પહેલા રેલવે ટ્રેક પર મોટા પથ્થરો (બોલ્ડર) મૂકી દીધા હતા. જોકે, લોકો પાયલટની સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.

આ ઘટનાને કારણે ટ્રેન 10 મિનિટ સુધી ત્યાં જ ઊભી રહી હતી. માહિતી મળતા જ છિવકીથી આવેલી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને અજાણ્યા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અજાણ્યા વ્યક્તિઓએ ભીરપુર અને મેજા સ્ટેશન વચ્ચે ડાઉન ટ્રેક પર કિલોમીટર નંબર 794/18-16 પર કાંકરી અને મોટા પથ્થરો મૂકી દીધા હતા. લોકો પાયલટને આ પથ્થરો દેખાતા જ તેમણે તરત જ ટ્રેન રોકી દીધી અને અધિકારીઓને જાણ કરી, જેના પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો. આરપીએફ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સઘન તપાસ હાથ ધરી.

લોકો પાયલટના નિવેદન અને ઘટનાસ્થળ પર કરવામાં આવેલી ફોટોગ્રાફીના આધારે સંયુક્ત નિરીક્ષણ નોંધ તૈયાર કરવામાં આવી છે. સદનસીબે, આ ઘટનામાં રેલવે વિભાગને કોઈ નુકસાન થયું નથી. આ મામલે આરપીએફ છિવકીમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
 

(7:11 PM IST)