<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલનો 'દિલ વિધાઉટ બિલ' સેવાયજ્ઞ : લદ્દાખના ૬૮ વર્ષીય તાશીભાઈને મળ્યું નિઃશુલ્ક નવું જીવન!

લેહના મજૂરનું અમદાવાદમાં સફળ હૃદય ઓપરેશન : લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સાથે MOU : ૮ રાજ્યો અને ૬૦% ભારતીય વસ્તીને વિનામૂલ્યે સારવારનો લાભ : હોસ્પિટલની અનન્ય સેવાકામગીરી

રાજકોટ : શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, જે "દિલ વિધાઉટ બિલ" ના નામે પ્રખ્યાત છે અને જેને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામ ભાઈએ પણ બિરદાવી હતી, તેણે ફરી એકવાર માનવતાની અદ્ભુત સેવા કરી છે. લેહ-લદ્દાખના એક નાનકડા ગામના ૬૮ વર્ષીય મજૂર તાશીભાઈને અમદાવાદની આ હોસ્પિટલમાં હૃદયરોગનું નિઃશુલ્ક અને સફળ ઓપરેશન કરીને નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.
તાશીભાઈની દાસ્તાન: મજૂરીથી મફત સારવાર સુધી
તાશીભાઈ લેહ-લદ્દાખના વતની છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ હૃદયની ગંભીર બીમારીથી પીડિત હતા, પરંતુ તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી તબીબી સારવાર મેળવી શકતા ન હતા. આવા સમયે, તેમને તપાસ બાદ અમદાવાદની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલની નિષ્ણાતોની ટીમ દ્વારા તાશીભાઈને દાખલ કરી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન તેમને ઘણા ઇન્ફેક્શનની સમસ્યા હોવાનું જણાયું, જેની હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી. ત્યારબાદ એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. આ પછી, સાઈ હોસ્પિટલ અમદાવાદના અગ્રણી કાર્ડિયાક સર્જન ડો. ભૂપેશ શાહ ભાઈ દ્વારા ગત તા. ૧૭-૦૫-૨૦૨૫ ના રોજ તેમની વિનામૂલ્યે સફળ કાર્ડિયાક સર્જરી (AVR + CABG બાયપાસ પ્રક્રિયા) કરવામાં આવી હતી. આજે તાશીભાઈ પૂર્ણતઃ સ્વસ્થ છે અને નવજીવન પામીને પોતાના વતન પરત ફરવા તૈયાર છે.
લદ્દાખ સાથે MOU અને નિઃશુલ્ક સારવારનો વ્યાપક હેતુ
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સાથે વિનામૂલ્યે હાર્ટ સર્જરી અંગે એમઓયુ (MOU) કરવામાં આવ્યું છે. આ કરાર હેઠળ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના તમામ જરૂરિયાતમંદ બાળકો અને પુખ્ત વયના લોકો માટે રાજકોટ અને અમદાવાદ હાર્ટ હોસ્પિટલોમાં સંપૂર્ણપણે મફત હૃદયની સર્જરી થશે.
આ બંને હોસ્પિટલોનો મુખ્ય હેતુ એ છે કે સમાજનો કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ પૈસાની તંગીને કારણે જરૂરી સારવારથી વંચિત ન રહે. ભારતના ૮ રાજ્યો અને ૬૦% થી વધારે ભારતની વસ્તીને ગુજરાતની બંને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલે વિનામૂલ્યે હૃદયરોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે.
કાશિન્દ્રા સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ: "દિલ વિધાઉટ બિલ" નું વિઝન
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા, સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. ૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ-આઈસીસીયુ, અને કૅથ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલ, ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરે છે.
હોસ્પિટલના નિયમો મુજબ, માસિક આવક ₹૩૫,૦૦૦ થી ઓછી હોય અને ૬૫ વર્ષથી ઓછી ઉંમરવાળા હૃદયરોગના દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. આ સેવા ભાવના ખરેખર પ્રશંસનીય છે અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

(8:03 PM IST)