<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કાઠમંડુમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ પર પ્રતિબંધ : રાજાશાહી સમર્થકોના વિરોધને કારણે લેવાયો નિર્ણય

-૩૧ મે થી ૮ જુલાઈ સુધી કાઠમંડુમાં ધરણા અને વિરોધ પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ: પ્રતિબંધિત વિસ્તારમાં કેશરમહલ ચોકથી નારાયણહિટી પેલેસ મ્યુઝિયમના દક્ષિણ દરવાજા સુધી અને જય નેપાળ મોડથી મહેન્દ્ર પ્રતિમા સુધીનો વિસ્તાર સામેલ

કાઠમંડુ :રાજાશાહી સમર્થકોના પ્રસ્તાવિત વિરોધને ધ્યાનમાં રાખીને નેપાળ વહીવટીતંત્રે શુક્રવારે કાઠમંડુમાં નારાયણહિટી પેલેસ મ્યુઝિયમની આસપાસ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા. નિયુક્ત વિસ્તારમાં પાંચથી વધુ લોકોના મેળાવડા, ધરણા, પ્રદર્શન, રેલીઓ અને વિરોધ સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાઠમંડુ જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષા કારણોસર સંગ્રહાલયની આસપાસના વિસ્તારને પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કર્યો છે.

   રાજધાનીમાં તાજેતરમાં થયેલા રાજાશાહી તરફી વિરોધ પ્રદર્શનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિત રાજાશાહી સમર્થક જૂથોએ ગુરુવારથી નેપાળમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાના ઉદ્દેશ્યથી વિરોધ કાર્યક્રમો શરૂ કર્યા છે.

જિલ્લા વહીવટીતંત્રના વડા ઋષિરામ તિવારી દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, આ પ્રતિબંધ 31 મે થી 8 જુલાઈ સુધી અમલમાં રહેશે. પ્રતિબંધિત વિસ્તારમાં કેશરમહલ ચોકથી નારાયણહિટી પેલેસ મ્યુઝિયમના દક્ષિણ દરવાજા સુધી અને જય નેપાળ મોડથી મહેન્દ્ર પ્રતિમા સુધીનો વિસ્તાર શામેલ છે. રાજાશાહી સમર્થક જૂથોએ શનિવારે મ્યુઝિયમ વિસ્તાર નજીક પ્રદર્શનની જાહેરાત કરી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળી રાજકીય પક્ષોએ 2008માં સંસદીય ઘોષણા દ્વારા 240 વર્ષ જૂની રાજાશાહીનો અંત આણ્યો હતો અને તત્કાલીન હિન્દુ રાજ્યને ધર્મનિરપેક્ષ, સંઘીય, લોકશાહી પ્રજાસત્તાકમાં પરિવર્તિત કર્યું હતું. તાજેતરના મહિનાઓમાં કાઠમંડુ અને દેશના અન્ય ભાગોમાં રાજાશાહી સમર્થકો દ્વારા અનેક વિરોધ પ્રદર્શનો થયા છે.

(11:58 PM IST)