News of Sunday, 1st June 2025
દેશમાં કોરોનાના કેસોમાં ધીમો વધારો : એક્ટિવ કેસ ૩૭૫૮ પર પહોંચ્યા : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં 55 સહિત દેશભરમાં ૩૬૩ નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા અને બે મોત નોંધાયા : ગુજરાતમાં કુલ ૩૨૦ સક્રિય કેસ
સૌથી વધુ 1400 સક્રિય કેસ કેરળમાં : મહારાષ્ટ્રમાં ૪૮૫ અને દિલ્હીમાં ૪૩૬ કેસ : ICMR અનુસાર ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટ્સ જવાબદાર : ગંભીરતા ઓછી હોવાનો દાવો - પણ તકેદારી જરૂરી

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે ૮ વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય (એક્ટિવ) કોવિડ કેસોની સંખ્યા વધીને ૩,૭૫૮ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૩ નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે ૧,૮૧૮ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી બે દર્દીઓના મોત થયા છે. કર્ણાટકમાં ૬૩ વર્ષીય એક વૃદ્ધ દર્દીનું નિધન થયું છે, જેમને અગાઉથી અન્ય બીમારીઓ પણ હતી. જ્યારે કેરળમાં ૨૪ વર્ષની એક યુવતીનું પણ સંક્રમણથી મોત થયું છે.
રાજ્યવાર આંકડા:
આંકડા અનુસાર, દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં ૧૪૦૦, મહારાષ્ટ્રમાં ૪૮૫ અને દિલ્હીમાં ૪૩૬ નોંધાયા છે. ગુજરાતમાં ૩૨૦, પશ્ચિમ બંગાળમાં ૨૮૭ અને કર્ણાટકમાં ૨૩૮ સક્રિય કેસ છે. આ ઉપરાંત, તમિલનાડુમાં ૧૯૯ અને ઉત્તર પ્રદેશમાં ૧૪૯ કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસ:
* કેરળ: ૬૪
* પશ્ચિમ બંગાળ: ૮૨
* દિલ્હી: ૬૧
* ગુજરાત: ૫૫
* ઉત્તર પ્રદેશ: ૩૨
* મહારાષ્ટ્ર: ૧૮
* તમિલનાડુ: ૧૪
* આંધ્ર પ્રદેશ: ૬
* પુડુચેરી: ૪
* હરિયાણા: ૪
* કર્ણાટક: ૪
* મધ્ય પ્રદેશ: ૩
* આસામ: ૩
* સિક્કિમ: ૩
* ઓડિશા: ૨
* ગોવા: ૨
* રાજસ્થાન: ૨
* પંજાબ: ૧
* ઉત્તરાખંડ: ૧
નિષ્ણાતોનું મંતવ્ય:
સૂત્રોનું કહેવું છે કે, દેશમાં કોવિડ-૧૯ ની સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. સંક્રમણની ગંભીરતા ઓછી છે અને મોટાભાગના દર્દીઓ ઘરે જ ક્વોરન્ટાઈન રહીને સારવાર લઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચિંતા કરવાની કોઈ વાત નથી.
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) ના મહાનિર્દેશક ડો. રાજીવ બેહલનું કહેવું હતું કે, દેશના પશ્ચિમી અને દક્ષિણી ભાગોમાંથી લેવામાં આવેલા નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે કે, હાલના કેસોમાં વૃદ્ધિ માટે જવાબદાર વેરિઅન્ટ્સ ગંભીર નથી અને તે ઓમિક્રોનના જ પેટા-વેરિઅન્ટ્સ છે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનના ચાર પેટા-વેરિઅન્ટ્સ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 મળી આવ્યા છે, જેમાંથી પહેલા ત્રણ પેટા-વેરિઅન્ટ્સ વધુ કેસોમાં જોવા મળ્યા છે.
ડો. બેહલે આશ્વસ્ત કર્યું કે, ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, અને હાલમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
