News of Sunday, 1st June 2025
રોજર બીન્ની ૧૯ મીએ ૭૦ વર્ષના થશેઃ નિયમ પ્રમાણે બીસીસીઆઇના પ્રમુખ પદેથી આપવું પડશે રાજીનામું
શું BCCI ને મળશે નવા પ્રમુખ? રોજર બિન્નીની જગ્યા લેવાની રેસમાં હાલના ઉપપ્રમુખ રાજીવ શુકલા પ્રબળ દાવેદાર

મુંબઇઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અંગે એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCIમાં જલ્દી જ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્ની 19 ના રોજ 70 વર્ષના થશે, ત્યાર પછી BCCI ના નિયમો મુજબ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિયમ હેઠળ, BCCI ના તમામ અધિકારીઓએ 70 વર્ષની ઉંમર પછી પોતાના પદ છોડવા પડે છે. એવામાં રોજર બિન્નીનું સ્થાન કોણ લેશે એ અંગે પણ હવે જોવાનું રહેશે. જો કે BCCI પ્રમુખપદની રેસમાં એક વ્યક્તિ સૌથી આગળ છે. આ અનુભવી વ્યક્તિ જુલાઈમાં જ વચગાળાના પ્રમુખ તરીકે આ જવાબદારી સંભાળી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્નીનું સ્થાન લઈ શકે છે. તેઓ જુલાઈમાં જ વચગાળાના પ્રમુખ તરીકે આ જવાબદારી સંભાળી શકે છે. રાજીવ શુક્લા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ વહીવટ સાથે સંકળાયેલા છે. તેઓ અગાઉ IPL ના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને BCCI માં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે.
એક અનુભવી રાજકારણી અને પૂર્વ પત્રકાર હોવાને કારણે, શુક્લાને ક્રિકેટ જગતમાં ઘણો અનુભવ છે. એક અહેવાલમાં બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે રાજીવ શુક્લા જુલાઈમાં જ રોજર બિન્નીનું સ્થાન લઈ શકે છે અને બોર્ડના અધિકારીઓ પહેલાથી જ તેમના નામ પર ચર્ચા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રોજર બિન્નીએ 2022 માં બીસીસીઆઈના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું હતું. તેઓ 1983 માં ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ખેલાડી હતા. તેમણે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 18 વિકેટ લીધી હતી, જેના કારણે ભારતને ઐતિહાસિક ખિતાબ જીતવામાં મદદ મળી હતી. બિન્નીએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેમાં વૈશ્વિક સ્તરે ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવા અને વહીવટી સુધારાનો સમાવેશ થાય છે. જોકે, વય મર્યાદાના નિયમને કારણે, તેમણે હવે આ પદ છોડવું પડશે. જેના કારણે રાજીવ શુક્લાને નવા પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
