<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી 'જમાત'ની સત્તામાં વાપસીની આશંકા : સુપ્રીમ કોર્ટના વિચિત્ર નિર્ણયથી ખળભળાટ

દેશના સૌથી મોટા ઇસ્લામિક પક્ષ 'જમાત-એ-ઇસ્લામી'ની નોંધણી પુનઃસ્થાપિત : આતંકવાદી અઝહરુલ ઇસ્લામની મુક્તિથી મોહમ્મદ યુનુસ સરકાર પર સવાલો

ઢાકા : ગયા વર્ષે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો ફરી મજબૂત બની રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. આ બધા વચ્ચે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે એક એવો નિર્ણય આપ્યો છે જેના પર દેશભરમાં ભારે ચર્ચા અને આલોચના થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી મોટા ઇસ્લામિક પક્ષ 'જમાત-એ-ઇસ્લામી' ની નોંધણી પુનઃસ્થાપિત કરી છે, જેનાથી આ પક્ષને ફરી ચૂંટણીમાં ભાગ લેવાની પરવાનગી મળી ગઈ છે.
શેખ હસીનાના પ્રતિબંધ બાદ ફરી સક્રિય:
ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન 'જમાત-એ-ઇસ્લામી' પર તેની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રિફાત અહેમદની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગે હવે ચૂંટણી પંચ (EC) ને આ જમણેરી પક્ષની પાર્ટી નોંધણી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, પક્ષને તેના પરંપરાગત ચૂંટણી ચિહ્ન "તરાઝુ" હેઠળ ચૂંટણી લડવાની મંજૂરી આપવી તે ચૂંટણી પંચના વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે.
યુદ્ધ અપરાધી આતંકવાદીની મુક્તિથી રોષ:
આ નિર્ણય સાથે જ, તાજેતરમાં બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે જમાત-એ-ઇસ્લામીના એક આતંકવાદી અઝહરુલ ઇસ્લામ ને મુક્ત કર્યો છે, જેણે ભારે વિવાદ જગાવ્યો છે. આ મૌલાના ૧૯૭૧માં થયેલા બળાત્કાર, હત્યા અને અપહરણ જેવા ગંભીર યુદ્ધ ગુનાઓ માટે સજા કાપી રહ્યા હતા.
અઝહરુલ ઇસ્લામની ૨૦૧૨માં આવામી લીગ સરકાર દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પાકિસ્તાન સેના સાથે મળીને ૧,૨૫૬ લોકોની હત્યા કરવાનો, ૧૭ લોકોનું અપહરણ કરવાનો અને લગભગ ૧૩ મહિલાઓનું શોષણ કરવાનો ગંભીર આરોપ હતો. આ ઘટનાને કારણે હાલની મોહમ્મદ યુનુસ સરકારની ચારે બાજુથી ટીકા થઈ રહી છે અને દેશમાં કટ્ટરપંથી શક્તિઓના ઉદય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ નિર્ણય બાંગ્લાદેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગહન અસર છોડશે, અને કટ્ટરપંથી સંગઠનોની સત્તામાં સંભવિત વાપસી અંગેના ભયને વધુ વેગ આપ્યો છે.

 

(4:51 PM IST)