News of Sunday, 1st June 2025
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાશે ? અસ્થિરતા બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની
ભાજપના 27 ધારાસભ્યો 30 મેના રોજ બેઠક કરીને નવી સરકાર બનાવવા માટે સંમત થયા

મણિપુરમાં રાજકીય અસ્થિરતા બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. ભાજપના 27 ધારાસભ્યો 30 મેના રોજ બેઠક કરીને નવી સરકાર બનાવવા માટે સંમત થયા છે. આ બેઠકમાં ખાસ વાત એ હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રત સિંહને બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ બિરેન સિંહ સામે બળવો કરનારા બંને ધારાસભ્યો અને રાજીનામું આપ્યું ત્યાં સુધી તેમની સાથે રહેલું જૂથ બેઠકમાં હાજર રહ્યું હતું. એક ધારાસભ્યએ કહ્યું કે બિરેન સિંહને બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા, તે એક વ્યૂહાત્મક નિર્ણય હતો. આ સ્પષ્ટ સંકેત છે કે પાર્ટીનો એક મોટો વર્ગ બિરેન સિંહને ફરીથી મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં નથી.
આ પહેલા 28 મેના રોજ NDAના 10 ધારાસભ્યોએ રાજ્યપાલ અજય ભલ્લાને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પ્રતિનિધિમંડળમાં 8 ભાજપ, એક NPP અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થતો હતો. ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે જણાવ્યું હતું કે કોંગ્રેસને બાદ કરતાં 44 ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. નોંધનીય છે કે મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે, જેમાં સરકાર બનાવવા માટે 31 ધારાસભ્યોની બહુમતી જરૂરી છે.
ભાજપ અને તેના સાથી પક્ષો 15 જૂન પહેલા સરકાર બનાવવા અને રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, મુખ્યમંત્રી પદ માટે નવો ચહેરો કોણ હશે તે હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
