News of Monday, 2nd June 2025
કાશ્મીરમાં આસ્થાનો સંગમ: 'ઓપરેશન સિંદૂર' બાદ પ્રથમવાર ક્ષીર ભવાની મેળામાં હજારો પંડિતોની હાજરી: આવતીકાલે પૂર્ણાહુતિ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બન્યા બાદ 'ઓપરેશન સિંદૂર' હેઠળ આતંકવાદ સામે સઘન કાર્યવાહી પછી પહેલીવાર આટલા મોટા પાયે ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માતા ક્ષીર ભવાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. આવતીકાલે ૩ જૂને સમાપ્ત થનારા આ મેળા માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે સવારે જ જમ્મુથી કડક સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનો મોટો કાફલો કાશ્મીર માટે રવાના થયો હતો. આ મેળો માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાય માટે પોતાની મૂળ જમીન સાથે ફરી જોડાવાની એક ભાવનાત્મક તક પણ છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, આ એક એવો અવસર છે જ્યારે તેઓ પોતાની આરાધ્ય દેવીના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરી શકે છે.
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરમાં પર્યટન પર અસર પડી હતી, પરંતુ આ યાત્રાથી આશા છે કે પરિસ્થિતિ સામાન્ય બનશે અને શ્રદ્ધાની સાથે-સાથે પર્યટન પણ ફરીથી ગતિ પકડશે.
૧૯૯૦ના દાયકામાં આતંકવાદને કારણે પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતો માટે આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ભાવનાત્મક અને સાંસ્કૃતિક પુનઃએકતાનું પ્રતિક બની ગઈ છે.
શ્રદ્ધાળુઓએ માતા ભવાનીમાં જ નહીં, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થા પર પણ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે મુશ્કેલ સંજોગો છતાં કાશ્મીરી પંડિતોની આસ્થા ડગમગી નથી અને માતા પ્રત્યે તેમનું સમર્પણ પહેલાની જેમ જ મજબૂત છે. તેઓ માને છે કે સરકાર અને સુરક્ષા દળોએ યાત્રાની સુરક્ષા માટે પૂરતા પ્રબંધ કર્યા છે, જેથી તેમને કોઈ પ્રકારનો ડર નથી.
જમ્મુમાં રાહત કમિશનર માઇગ્રન્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા પૂરી કરી લેવામાં આવી છે. મુસાફરો માટે રહેવા, જમવા અને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા માટે આ વખતે પણ શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. આ મેળો કશ્મીરી પંડિતોની સાંસ્કૃતિક ઓળખ અને પુનર્વસનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે.
જોકે, ડરને કારણે જે કાશ્મીરી પંડિતો આ વખતે તુલમૂલા સ્થિત ક્ષીર ભવાનીના મંદિરમાં પૂજા અર્ચના માટે જઈ શક્યા નથી, તેઓ જમ્મુમાં આવેલા માતા રાગ્નેયાના મંદિરમાં પૂજા અર્ચના કરશે. ક્ષીર ભવાની મેળામાં ૩ જૂને હજારો કાશ્મીરી પંડિતો અને મુસ્લિમો એકઠા થશે.
જાણકારી અનુસાર, જેષ્ઠ અષ્ટમીના દિવસે જમ્મુના ભવાની નગર સ્થિત માતા રાગ્નેયાના મંદિરમાં પણ ક્ષીર ભવાની મેળો ભરાય છે. જે લોકો કાશ્મીર જઈ શકતા નથી, તેઓ અહીં આવીને હાજરી પૂરાવે છે. અહીં પણ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
