News of Monday, 2nd June 2025
કશ્મીર રૂટ પર દોડશે નોખી–અનોખી–ખાસ વંદે ભારત ટ્રેન
કટરા-શ્રીનગર વચ્ચેની સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ૨૦૩ કિલોમીટરનું અંતર માત્ર ૩ કલાકમાં પૂરું કરશે: આ રૂટ પર ટ્રેન ૩૮ ટનલ અને ૯૨૭ પુલ પરથી પસાર થશે: જેમાં વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ પુલ પણ સામેલ છે : ટ્રેનમાં વિન્ડશિલ્ડમાં હીટિંગ એલિમેન્ટ, સિલિકોન હીટિંગ પેડ, ગરમ પાઈપલાઈન અને શૌચાલયોમાં હીટરનો સમાવેશ થાય છે, જે માઈનસ -૩૦ ડિગ્રી તાપમાનમાં પણ સંપૂર્ણ ઝડપે કામ કરશે

જમ્મુ, ૨ જૂન: જમ્મુથી કશ્મીર સુધી રેલ મુસાફરીની ઈચ્છા ધરાવતા લોકો માટે આનંદના સમાચાર છે. આ અઠવાડિયે શરૂ થનારી વંદે ભારત ટ્રેન માત્ર અલગ જ નહીં, પણ ખાસ પણ હશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે ૬ જૂને કટરા-શ્રીનગર વચ્ચેની આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે, જે ૨૦૩ કિલોમીટરનું અંતર માત્ર ત્રણ કલાકમાં પૂરું કરશે. આ રૂટ પર ટ્રેન ૩૮ ટનલ અને ૯૨૭ પુલ પરથી પસાર થશે, જેમાં વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ પુલ પણ સામેલ છે.
રેલ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, કશ્મીરની કઠોર શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ટ્રેનમાં વિન્ડશિલ્ડમાં હીટિંગ એલિમેન્ટ, સિલિકોન હીટિંગ પેડ, ગરમ પાઈપલાઈન અને શૌચાલયોમાં હીટરનો સમાવેશ થાય છે, જે માઈનસ -૩૦ ડિગ્રી તાપમાનમાં પણ સંપૂર્ણ ઝડપે કામ કરશે. આઠ કોચવાળી આ ટ્રેનમાં એક એક્ઝિક્યુટિવ ક્લાસ અને સાત એસી ચેર કાર કોચ હશે.
લગભગ ત્રણ મહિના પહેલાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો, જેના પછી વંદે ભારત સહિત વિવિધ ટ્રેનોના પરીક્ષણો શરૂ થયા હતા. આ પ્રોજેક્ટ પર ૪૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
૪ જાન્યુઆરીએ કટરા-બનિહાલ વિભાગ પર ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ પરીક્ષણ થયું હતું. રેલવેએ છેલ્લાં કેટલાંક મહિનામાં ટ્રેકના વિવિધ ખંડો પર અનેક પરીક્ષણો કર્યા છે, જેમાં અંજી ખાદ અને ચેનાબ પુલના બે મુખ્ય સીમાચિહ્નો સામેલ છે. કશ્મીરને ખાસ રીતે ડિઝાઇન કરેલી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળશે. આ નવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન કટરા અને શ્રીનગરને જોડશે. કટરા અને શ્રીનગરને જોડતી આ નવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન જમ્મુ-કશ્મીરમાં ત્રીજી એવી ટ્રેન હશે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના ૨૭૨ કિલોમીટરમાંથી મોટાભાગનું કામ પૂર્ણ થયું છે, જેની કુલ કિંમત ૪૧,૦૦૦ કરોડ રૂપિયા છે. ટ્રેનની શરૂઆત દરરોજ એક ટ્રીપથી થશે, પરંતુ માંગને આધારે તેની આવૃત્તિ અને રૂટનો વિસ્તાર થઈ શકે છે. આ ટ્રેન પ્રવાસન અને કનેક્ટિવિટીને વેગ આપશે. (સુરેશ ડુગ્ગર, જમ્મુ, અકિલા)
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
