News of Monday, 2nd June 2025
પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ધરપકડ કરાયેલ રવિન્દ્ર વર્માના કામના સ્થળે તપાસ : સહકર્મીઓની થશે પૂછપરછ
વધુ તપાસ માટે કોર્ટે થાણેના જુનિયર એન્જિનિયર રવીન્દ્ર ઉર્ફે રવિ વર્માની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ વધારી

મુંબઈ: પાકિસ્તાન માટે કથિત જાસૂસી તેમ જ યુદ્ધજહાજો અને સબમરીનોની ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર ધરપકડ કરાયેલા થાણેના જુનિયર એન્જિનિયર રવીન્દ્ર ઉર્ફે રવિ વર્માના કામના સ્થળે તપાસ કરી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) તેના સહકર્મચારીઓની પણ પૂછપરછ કરશે. વધુ તપાસ માટે કોર્ટે વર્માની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ વધારી હતી.
થાણેના કલવા પરિસરમાં રહેતો 27 વર્ષનો રવિ વર્મા ડિફેન્સ ટેક્નોલૉજી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. કંપનીના કર્મચારી તરીકે તે નૌકાદળના જહાજો પર કામ કરતો હતો. એટીએસે ગયા સપ્તાહે વર્માની ધરપકડ કરી હતી.
પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેને થાણે સેશન્સ કોર્ટમાં હાજર કરાયો હતો. તપાસકર્તા પક્ષના વકીલ અને બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા પછી જજ જે. એસ. જગદાળેએ વર્માને પાંચમી જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
વર્માની પોલીસ કસ્ટડી વધારી આપવાની વિનંતી સાથે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે વર્મા જે સ્થળે કામ કરતો હતો ત્યાં તપાસ કરવાની બાકી છે. વર્માના સહકર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. આ કારણોસર વર્માની કસ્ટડી જરૂરી હોવાનું પોલીસે કહ્યું હતું.
સરકારી વકીલ સુપારેએ કોર્ટમાં જણાવ્યું હતું કે એટીએસને વર્મા પાસેથી કેટલાંક સિમ કાર્ડ્સ મળ્યાં છે. તે સંદર્ભે પણ વર્માની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જોકે બચાવ પક્ષનાં વકીલ રૂપાલી શિંદે અને રાજહંસ ગિરાસેએ જણાવ્યું હતું કે વર્માએ કોઈ પણ પ્રકારની સંવેદનશીલ માહિતી પૂરી પાડી નથી. તેને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે. તેના બૅન્ક ખાતામાં કોઈ મોટી રકમ ટ્રાન્સફર થઈ નથી. પ્રીતિ નામની છોકરીએ વર્માની ભાણેજને ચૉકલેટ આપવા માટે તેના ખાતા પર માત્ર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું તપાસમાં જણાયું છે. આ સિવાય તપાસ એજન્સી પાસે કોઈ નક્કર પુરાવા નથી. આ પ્રીતિ કોણ છે તે તપાસ એજન્સીએ હજુ સુધી શોધી કાઢ્યું નથી.
વર્મા પાસેથી જે નકશા મળ્યા હોવાનો દાવો એટીએસ દ્વારા કરાઈ રહ્યો છે તે ગૂગલ મેપના હોવાનો દાવો બચાવ પક્ષના વકીલે કર્યો હતો. વર્માની ડાયરીમાં પણ કામ સંબંધી વિગતો નોંધવામાં આવી છે. વર્મા ટીબીથી પીડાતો હોવાથી સમયાંતરે હૉસ્પિટલમાં તેને તપાસ માટે લઈ જવાની વિનંતી તેના વકીલે કોર્ટમાં કરી હતી.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
