ચોમાસું બ્રેક મોન્સૂન અવસ્થામાં : દેશભરમાં વરસાદની ઘટ : ગુજરાતમાં 15 જૂન આસપાસ ધીમી ગતિએ આગમનની આશા! - વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીંગા
કેરળ-મુંબઈમાં વહેલા ચોમાસાના આગમન બાદ 'બ્રેક મોન્સૂન' જેવી સ્થિતિ : દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની ઘટ : જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં ફરી સક્રિય થવાના ઉજળા સંકેત

રાજકોટ : વૈશ્વિક હવામાન મોડેલો દ્વારા કરાયેલી આગાહી અને અગાઉથી અપાયેલા આગોતરા એંધાણ મુજબ, કેરળ, મુંબઈ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં સમય પહેલા જ ચોમાસું પહોંચી ગયા બાદ, હવે ભારત અને દક્ષિણ એશિયાના મોટાભાગના ભાગોમાં 'બ્રેક મોન્સૂન' જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે. છેલ્લા 48 કલાકમાં ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેને પરિણામે 29 મે બાદ ચોમાસાની બંને પાંખો, અરબ સાગર અને બંગાળની ખાડીમાં, ચોમાસું વધુ આગળ વધતું અટકી ગયું છે.
NWP મોડેલ માર્ગદર્શિકા મુજબ, વર્તમાન બ્રેક મોન્સૂન જેવી સ્થિતિ આગામી 4-5 દિવસમાં વધુ મજબૂત થવાની ધારણા છે, જેથી ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદની ઘટ અનુભવાશે. જોકે, મધ્ય ભારત અને તેને લાગુ ઉત્તરી ભારતીય વિસ્તારોમાં પૂર્વ તરફ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલો કેટલોક છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. રાહતની વાત એ છે કે વૈશ્વિક મોડેલો દ્વારા હાલ જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં દક્ષિણ ભારતીય દ્વીપકલ્પ અને લાગુ મધ્ય ભારતીય પ્રદેશોમાં ચોમાસુ ફરી સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. જૂનના બીજા સપ્તાહના અંત સુધીમાં બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ બને જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી ચોમાસાને સક્રિય કરવામાં મદદ કરે તેવી ઉજળી સંભાવનાઓ છે.
ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ભેજ અને લોકલ અસ્થિરતા આધારિત છૂટોછવાયો હળવો-મધ્યમ વરસાદ ઝાપટાં આગામી બે-ત્રણ દિવસ જોવા મળી શકે છે. જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાની સ્થિતિ સુધરે અને 15 જૂન આસપાસથી દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ગુજરાતના બીજા પ્રદેશોમાં પણ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે તેવી આશા રાખી શકાય.
ચોમાસા દરમિયાન વાતાવરણમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા હોય છે. આગામી દિવસોમાં ચોમાસાને ભારતમાં સક્રિય કરનારા મુખ્ય પરિબળો જેવા કે MJO (મેડેન જુલિયન ઓસિલેશન) અને MISO (મોન્સૂન ઇન્ટ્રા સિઝનલ ઓસિલેશન) કેટલા મદદરૂપ થાય અને કેટલા ઝડપથી અનુકૂળ ફેઝમાં આવે તેના ઉપર નજર રાખવાની રહેશે. (આ વેધર અપડેટ ગૌરવ રાણીંગા દ્વારા આપવામાં આવેલી છે).
નોંધ: આ માહિતી હાલના વેધર ચાર્ટ અને હવામાન મોડેલોનાં એનાલિસિસને આધારે છે, જેમાં આગળ કુદરતી ફેરફાર શક્ય છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની સત્તાવાર અપડેટ ઉપર આધાર રાખવો.&









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
