<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જૈશ-એ-મોહમ્મદના કુખ્યાત આતંકી મૌલાના અબ્દુલ અઝીઝનું પાકિસ્તાનમાં રહસ્યમય મોત : ભારતને ધમકી આપ્યાના થોડા દિવસોમાં જ અંત!

'હાર્ટ એટેક'નું કારણ દર્શાવાયું, પરંતુ જેહાદી સંગઠનોમાં આતંકીઓના મોત છુપાવવાનો ઇતિહાસ : 'ઓપરેશન સિંદૂર' બાદ જૈશને વધુ એક મોટો ફટકો

નવી દિલ્હી, તા. ૩ જૂન, ૨૦૨૫: ભારત માટે એક મહત્વપૂર્ણ અને સંભવતઃ સુખદ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનમાં સક્રિય કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વરિષ્ઠ આતંકી નેતા મૌલાના અબ્દુલ અઝીઝ ઈસરનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. આતંકી સંગઠન સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, તેની મૃત્યુનું કારણ 'હાર્ટ એટેક' જણાવવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી તેના નિધનના કારણની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
જૈશ-એ-મોહમ્મદ દ્વારા તેના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એજન્સીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અબ્દુલ અઝીઝનો જનાજો સંગઠનના બહાવલપુર સ્થિત મુખ્ય મથક, મરકઝ સુભાન અલ્લાહ થી કાઢવામાં આવશે.
ધમકી બાદ રહસ્યમય મોત:
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ અબ્દુલ અઝીઝનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે ભારત સરકારને ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ વિડીયો બાદ તેના મોતની ખબર અનેક સવાલો ઉભા કરી રહી છે. કેટલાક લોકો આ મોતને શંકાસ્પદ માની રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં કોઈપણ આતંકીના મોતને ઘણીવાર દબાવી દેવામાં આવે છે. જૈશ જેવા સંગઠનો અવારનવાર તેમના નેતાઓના મોતના સમાચારને વર્ષો સુધી છુપાવે છે, અને મોતના સાચા કારણો પણ ક્યારેય સામે આવતા નથી. આ કારણે અબ્દુલ અઝીઝના મોત પર રહસ્ય યથાવત છે અને સોશિયલ મીડિયા પર પણ આ અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે.
જૈશની કમર તૂટી રહી છે:
જૈશ-એ-મોહમ્મદનો ઇતિહાસ ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓથી ભરેલો છે. સંગઠનના સ્થાપક મસૂદ અઝહરના નેતૃત્વમાં આ સમૂહે ૨૦૧૯ ના પુલવામા હુમલા સહિત અનેક મોટા હુમલા કર્યા છે. બહાવલપુરમાં આવેલું તેનું મુખ્ય મથક લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે, જ્યાંથી યુવાનોની ભરતી અને તેમને તાલીમ આપવામાં આવે છે.
જોકે, તાજેતરમાં જ, મે ૨૦૨૫ માં ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ બહાવલપુરમાં જૈશના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં મસૂદ અઝહરના ૧૦ સંબંધીઓ અને ચાર સહયોગીઓના મોત થયા હતા. અબ્દુલ અઝીઝના આ રહસ્યમય મોતને 'ઓપરેશન સિંદૂર' બાદ જૈશને વધુ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, જે કટ્ટરપંથી સંગઠનની કમર તોડવામાં મદદરૂપ થઈ શકે છે.

 

(1:23 PM IST)