News of Tuesday, 3rd June 2025
પાકિસ્તાનની કરાચી જેલમાંથી ભૂકંપના આંચકા વચ્ચે ૨૧૬ કેદીઓ ફરારઃ માલિરમાં યુદ્ધ જેવો માહોલ!
‘બચ્ચા જેલ'માંથી મોટી સંખ્યામાં કેદીઓ ભાગ્યાઃ પોલીસ-રેન્જર્સની ભારે ગોળીબારી હાઈવે સીલઃ ૭ ઘાયલ અને ૧ કેદીનું મોત

કરાચી, પાકિસ્તાન, તા. ૩: પાકિસ્તાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સોમવારે મોડી રાત્રે કરાચીની જિલ્લા જેલ માલિરમાંથી કુલ ૨૧૬ કેદીઓ ભાગી છૂટયા છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, શહેરમાં સતત હળવા ભૂકંપના આંચકા આવતા સર્જાયેલી અંધાધૂંધી અને ગભરાટનો લાભ લઈને કેદીઓ જેલમાંથી ફરાર થયા હતા.
પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપના કારણે સર્જાયેલી અફરાતફરીનો ફાયદો ઉઠાવીને ઘણા કેદીઓ, જેઓ આંતરિક પ્રક્રિયાઓને કારણે તેમના બેરેકની બહાર હતા, તેમણે જેલ સ્ટાફ પર દબાણ કર્યું. આ પછી કેદીઓ અને જેલકર્મીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. સ્થિતિ એટલી વણસી ગઈ કે જેલ પરિસર યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું.
ભારે ગોળીબાર અને
ભયનો માહોલ
જેલ પરિસરની અંદર અને આસપાસ ભારે ગોળીબારના અહેવાલો મળ્યા હતા, જેના કારણે નજીકના રહેણાંક વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાયો હતો. કેદીઓને પકડવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. SSP માલિર કાશિફ આફતાબ અબ્બાસીએ જણાવ્યું હતું કે, પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી તરત જ જેલમાં પહોંચી ગઈ હતી અને નજીકના વસાહતો, હાઈવે અને ગામડાઓને સીલ કરી દેવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક રસ્તાઓ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા. માલિરની મસ્જિદોમાંથી ભાગી ગયેલા કેદીઓને પકડવામાં જાહેર સહયોગની અપીલ કરતી જાહેરાતો પણ કરવામાં આવી હતી. DIG જેલ હસન સાહેતુ અને ડાયરેક્ટર જનરલ રેન્જર્સ સિંધ મેજર જનરલ મુહમ્મદ શમરેઝે પણ જેલની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
હિંસક અથડામણમાં ૭ ઘાયલ, ૧ કેદીનું મોત
સમા ટીવીના અહેવાલ મુજબ, ભૂકંપ આવ્યો ત્યારે સર્કલ નંબર ૪ અને ૫ ના ૬૦૦ થી વધુ કેદીઓ તેમના બેરેકની બહાર બેઠા હતા. ત્યારબાદ થયેલી અંધાધૂંધીથી ટૂંક સમયમાં રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ. સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસમાં, જેલ અધિકારીઓએ ગોળીબાર કર્યો હતો.
આ એન્કાઉન્ટર દરમિયાન બે ફ્રન્ટિયર કોર્પ્સ (FC) કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત, એક કેદીનું મળત્યુ થયું હતું અને ત્રણ અન્ય કેદીઓ પણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંધના ગળહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરે જોકે, જેલની કોઈ દિવાલમાં ઘૂસણખોરી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જે જિલ્લા જેલ માલિરથી આ કેદીઓ ભાગી છૂટયા છે તેને સામાન્ય રીતે બચ્ચા જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટનાએ પાકિસ્તાનની જેલ સુરક્ષા અને કુદરતી આફતો દરમિયાનની કટોકટી વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
