News of Tuesday, 3rd June 2025
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકતા હવે ભારતીય સેનામાં પણ સ્વદેશી ફાઈટર જેટનો સમાવેશ થશે : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નાશિક શાખા દ્વારા પહેલું LCA તેજસ Mk-1A ફાઈટર જેટ તૈયાર કર્યું
LCA તેજસ Mk-1A 13,500 વજન ,1.8 મૈક એટલે કે અંદાજિત 2200 કિમી/કલાકની ઝડપ ધરાવે છે તથા તેની રેંજ 1850 કિમીની આ ફાઈટર જેટમાં GE F404-IN20 ટર્બોફેન અને 85 kN થ્રસ્ટ એન્જિનનો ઉપયોગ

નવી દિલ્હી તા.૩ : છેલ્લા એક દાયકામાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર બે એર સ્ટ્રાઈક કરી છે, જેમાં વપરાયેલા ફાઈટર પ્લેન અન્ય દેશો પાસેથી ભારતે ખરીદીને વસાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે હવે સેનામાં પણ સ્વદેશી ફાઈટર જેટનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આવો આ ફાઈટર જેટ કેવી ખાસિયતો ધરાવે છે? આવો જાણીએ.
ભારતીય વાયુસેના ઉપયોગ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નાશિક શાખા દ્વારા પહેલું LCA તેજસ Mk-1A ફાઈટર જેટ તૈયાર કરવામાં આવ્યું છે. LCA તેજસ Mk-1A એ LCA તેજસ Mk-1નું એડવાન્સ વર્ઝન છે. જેને મલ્ટિરોલ ફાઈટર જેટના રૂપમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. જૂન મહિનાના અંત સુધીમાં તેને ભારતીય સેનાને સોંપવામાં આવશે. જેનાથી ભારતીય વાસુસેનાની તાકાતમાં વધારો થશે.
હવે વિગતે વાત કરીએ તો LCA તેજસ Mk-1A 13,500 વજન ધરાવે છે. તે 1.8 મૈક એટલે કે અંદાજિત 2200 કિમી/કલાકની ઝડપ ધરાવે છે તથા તેની રેંજ 1850 કિમીની છે. આ ફાઈટર જેટમાં GE F404-IN20 ટર્બોફેન અને 85 kN થ્રસ્ટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમાં EL/M-2052 AESA રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેયર સુઈટ અને સ્વદેશી ડેટા લિંકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. LCA તેજસ Mk-1A 7 હાર્ડપોઈન્ટ, 23 મીમી GSh-23 તોપ, Astra BVR મિસાઈટ, બ્રહ્મોસ-NG અને ગાઈડેડ બોંબ જેવા હથિયારોનું પણ વહન કરશે. તે હવાથી હવા, હવાથી જમીન અને નૌસૈનિક હુમલાઓ કરવા માટે સક્ષમ છે.
LCA તેજસ Mk-1Aનો 65 ટકાથી વધુ હિસ્સો ભારતમાં બનાવવામાં આવ્યો છે. જોકે ભારતને તેનું પહેલું LCA તેજસ Mk-1A માર્ચ-2024માં મળવાનું હતું, પરંતુ અમેરિકન GE એરોસ્પેસ દ્વારા F404-IN20 એન્જિન સપ્લાયમાં કરવામાં આવેલા વિલંબના કારણે પહેલું એન્જિન માર્ચ 2025માં મળ્યું હતું. જેથી તેના નિર્માણ કાર્યમાં મોડું થયું હતું.
જોકે, હવે આ મહિનાના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને તેનું પહેલું LCA તેજસ Mk-1A મળશે. તેજસ Mk-1Aનું નવું કેન્દ્ર નાશિક છે. HAL બેંગલોર અને નાસિક બંને મળીને એક વર્ષમાં 24 જેટ બનાવી શકે છે. આમ ભારત હવે સંરક્ષણના સાધનોને લઈને પણ આત્મનિર્ભર બનવા તરફ ડગલું ભરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર ત્રણેય પાંખને વધુ સક્ષમ બનાવવા માટે તત્પર છે, પરંતુ આ મુદ્દે અગાઉ વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી, કારણ કે 2021માં ઓર્ડર કરવામાં આવેલા 83 જેટ્સમાંથી એક પર ડિલિવરી કરી નહોતી.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
