<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મુંબઈમાં મહિલાના પોશાક પહેરીને ચોરી કરતા રીઢા ચોરે બનાવી કરોડોની સંપત્તિ : આખરે પોલીસે દબોચી લીધો

પોલીસને તેના વિશે સંકેતો મળ્યા :150 થી વધુ સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કરાઈ : એક ખાસ ટીમ બનાવવામાં આવી: અંતે રણજીત ઝડપાયો

મુંબઈ પોલીસે એક એવા ચાલાક ચોરની ધરપકડ કરી છે જેની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. તેનું નામ રણજીત કુમાર ઉપેન્દ્ર ઉર્ફે મુન્ના છે, પરંતુ તેનું કામ એવું હતું કે પોલીસ પણ ચોંકી ગઈ હતી. રણજીત ચોરી કરતો હતો, પણ કોઈ સામાન્ય ચોરની જેમ નહીં. તે મહિલાના પોશાક પહેરતો, ઘરેણાં ચોરી કરતો અને પછી શાંતિથી ગાયબ થઈ જતો.

    આ કેસ મામલે મલાડ પોલીસે જણાવ્યું હતું કે રણજીત મહિલાના કપડાં પહેરતો હતો. ક્યારેક સાડી, ક્યારેક સલવાર-કમીઝ, તો ક્યારેક બુરખા. ચોરી કરવા દરમિતાન તે તેનો ચહેરો હંમેશા દુપટ્ટા કે બુરખાથી ઢાંકીને રાખતો હતો. તેણે મહિલાઓની ચાલ પણ શીખી લીધી હતી જેથી કોઈ તેના પર શંકા ન કરે. દરેક ચોરી પહેલા, તે રેલવે ટ્રેક પાસે જતો અને કપડાં બદલતો જેથી તે સીસીટીવી કૅમેરામાં કેદ થવાથી અને લોકોની નજરથી બચી શકે

17 માર્ચે મલાડની એક સોસાયટીમાં થયેલી ચોરી બાદ, પોલીસને તેના વિશે સંકેતો મળ્યા હતા. 150 થી વધુ સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવ્યા હતા. આ પછી, એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી અને ટૅકનિકલ દેખરેખ પછી રણજીતની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ, રણજીતના ઠેકાણામાંથી મોટી માત્રામાં ચોરાયેલી વસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પોલીસને સોનું ઓગાળાવવાની મશીન, 36 તોલાના સોનાંના દાગીના, મોટી રોકડ રકમ, મહિલાઓના કપડાં અને ચોરીમાં વપરાયેલી ઘણી વસ્તુઓ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રણજીતનો મુંબઈમાં એક ફ્લૅટ, બિહારના એક ગામમાં બંગલો, ખેતીની જમીન, બૅન્કમાં 13 લાખ રૂપિયા અને અલગ અલગ જગ્યાએ કરોડોની મિલકત છે. એસીપી હેમંત સાવંતે જણાવ્યું હતું કે રણજીત કુમાર ઉપેન્દ્ર ઉર્ફે મુન્ના વિરુદ્ધ મુંબઈમાં અત્યાર સુધીમાં 8 ચોરીના કેસ નોંધાયા છે અને ભવિષ્યમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. રણજીતે ચોરેલા પૈસાથી પોતાની આખી મિલકત બનાવી હતી. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

માંટુગા-ઈસ્ટના આંબેડકર રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષના અનુશ લાહિરના ઘરમાં ઘરકામ માટે આવેલી હાઉસહેલ્પ સેજલ શિંદે આશરે ૭ લાખ રૂપિયાના દાગીના અને ૫૦૦૦ રૂપિયાની રોકડ તડફાવી ગઈ હોવાની ફરિયાદ રવિવારે માટુંગા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ઘરકામ માટે હાઉસહેલ્પ જોઈતી હોવાનો મેસેજ વૉટ્સઍપના ગ્રુપમાં નાખવામાં આવ્યો હતો. એ જોઈને સેજલ નોકરી માટે આવી હતી. નોકરીના પહેલા જ દિવસે શુક્રવારે ઘરના બેડરૂમમાં સફાઈના બહાને પ્રવેશીને તેણે દાગીના અને રોકડ સેરવી લીધાં હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસે હાઉસહેલ્પને શોધવા વિવિધ ટીમ બનાવી છે.

. 

 

(11:27 PM IST)