<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રાજકોટમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ મામલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી : અંદાજે ૨૦ બાળકોનાં અપહરણ કરી બાળ મજૂરી કે ભીખ મંગાવતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ!

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને પોલીસ ફોર્સનું મેગા ઓપરેશન : બેડી ગામ નજીકથી ગોંધી રખાયેલા માસૂમોને મુક્ત કરાયા : દિવસભર ભીખ મંગાવી રાત્રે પૂરી દેવાતા? પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા

રાજકોટ, ૬ જૂન, ૨૦૨૫: રાજકોટ શહેરમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને બાળ મજૂરી કરાવતા રેકેટ સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને પોલીસ ફોર્સની અત્યાર સુધીની સૌથી મોટી અને સપાટો બોલાવતી કાર્યવાહી કરી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડીને બાળકો પાસે ભીખ કે મજૂરી કરાવતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજકોટની બાજુમાં આવેલા બેડી ગામ પાસેના એક મકાનમાંથી અંદાજે ૨૦ માસૂમ બાળકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ બાળકોનું અપહરણ કરીને તેમને અહીં લાવવામાં આવ્યા હતા અને તેમની પાસે દિવસભર ભીખ મંગાવવામાં આવતી હતી. ભીખ મંગાવ્યા બાદ રાત્રિના સમયે આ બાળકોને આ જ મકાનમાં પૂરી દેવામાં આવતા હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટના બાળ શોષણ અને માનવ તસ્કરીના એક મોટા રેકેટનો ખુલાસો કરી શકે છે.

આ માહિતી મળતા જ પોલીસના ધાડેધાડા બેડી ગામ પહોંચી ગયા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રાહે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસની ટીમે બાતમીના આધારે શંકાસ્પદ મકાન પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં બાળકોને ગોંધી રાખીને તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ બાળકોને સુરક્ષિત રીતે બેરુત કાઢ્યા હતા.

હાલમાં, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગ કયા કયા રાજ્યમાં સક્રિય હતી, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવી રહી હતી અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. અપહરણ કરાયેલા બાળકોની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમના વાલીવારસ સુધી પહોંચવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ રાજકોટ પોલીસે બાળ શોષણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.(તસવીર - સંદીપ બગથરીયા, અકિલા, રાજકોટ)

(1:03 AM IST)