News of Thursday, 5th June 2025
યોગી આદિત્યનાથના ૫૩મા જન્મદિવસે બાયોપિક 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું રોમાંચક ટીઝર રિલીઝ! : જુઓ વિડીયો
ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રીના જીવનગાથાને પડદા પર જીવંત કરાશે : અભિનેતા અનંત વિજય જોશી યોગીના પાત્રમાં જોવા મળશે : પરેશ રાવલ સહિતના કલાકારોની મહત્વની ભૂમિકા : ફિલ્મ ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ થશે રિલીઝ

લખનૌ : ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ૫૩ વર્ષના થયા છે. ૫ જૂન, ૧૯૭૨ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ ખાતે જન્મેલા યોગી આદિત્યનાથના જન્મદિવસે તેમને એક ખાસ ભેટ મળી છે. તેમના જીવન પર બની રહેલી બાયોપિક ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' નું ટીઝર આજે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવનાર અભિનેતા અનંત વિજય જોશીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ફિલ્મના નિર્માતાઓએ યોગી આદિત્યનાથના જન્મદિવસે આ ટીઝર રિલીઝ કરીને તેમને અનોખી ભેટ આપી છે. ટીઝરમાં યોગીના બાળપણથી માંડીને તેમનો ત્યાગનો માર્ગ અપનાવવા સુધીની સફર દર્શાવવામાં આવી છે. તેમાં લાગણી અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે, જે દર્શકોને યોગીના જીવનના ઊંડાણપૂર્વકના પાસાઓનો પરિચય કરાવે છે. આ ફિલ્મ એક યોગીની હિંમત અને બહાદુરીની ગાથા છે, જેમણે નાની ઉંમરે ધર્મ અને સંન્યાસ માટે પોતાના પરિવારનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત, તેઓ કેવી રીતે રાજકારણમાં આવ્યા અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા તેની પણ ઝલક ફિલ્મમાં બતાવવામાં આવશે.
યોગીના પાત્રમાં અનંત વિજય જોશી:
અભિનેતા અનંત વિજય જોશી મોટા પડદા પર યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા જોવા મળશે. ટીઝરમાં તેમના દેખાવ અને વેશભૂષાએ સૌને પ્રભાવિત કર્યા છે. સીએમ યોગીની જેમ ભગવા વસ્ત્રો, કપાળ પર તિલક, કાનમાં બુટ્ટી અને ભગવા રંગની ખેસ પહેરેલા અનંત વિજય જોશીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ યોગીના લોકોની સેવા કરવાના ઉદ્દેશ્યને મોટા પડદા પર સાકાર કરવાનો પ્રયાસ કરશે.
સ્ટાર કાસ્ટ અને રિલીઝ તારીખ:
'અજય' ફિલ્મમાં અનંત વિજય જોશી ઉપરાંત બોલિવૂડના દિગ્ગજ કલાકારો જેવા કે પરેશ રાવલ, નિરહુઆ, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહ અને સરવર આહુજા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં પરેશ રાવલનો એક સંવાદ ખાસ ધ્યાન ખેંચે છે, જેમાં તેઓ યોગી વિશે કહે છે, "તે કંઈ ઈચ્છતો નહોતો, બધા તેને ઇચ્છતા હતા, તે શિષ્ય બનવા આવ્યો હતો, પરંતુ જનતાએ તેને સરકાર બનાવી દીધો."
સમ્રાટ સિનેમેટિક્સ દ્વારા નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક રવિન્દ્ર ગૌતમ છે, જેઓ અગાઉ 'મહારાની ૨' જેવી સફળ વેબ-સિરીઝ બનાવી ચૂક્યા છે, જ્યારે નિર્માતા રીતુ મેંગી છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતી વખતે લખ્યું હતું કે, "તેમણે દુનિયા છોડી દીધી, ભગવો પહેર્યો અને સેવામાં ડૂબી ગયા. એક યોગી જે એકલા એક આખી ચળવળ બની ગયા. યોગીની જન્મજયંતિ પર અમે અમારી વાર્તાની શરૂઆત કરી રહ્યા છીએ."
આ ફિલ્મ આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના પ્રશંસકો અને રાજકીય વર્તુળોમાં આ ફિલ્મની રિલીઝને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
