News of Thursday, 5th June 2025
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો : ચાંદી પ્રતિ કિલો ₹૧,૦૪,૧૦૦ની સર્વોચ્ચ સપાટીએ : સોનું પણ લાખ રૂપિયાની નજીક!
રાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં કિંમતી ધાતુઓની રેકોર્ડબ્રેક તેજી : અમદાવાદમાં ચાંદી ₹૧,૦૩,૦૦૦ અને શુદ્ધ સોનું ₹૧,૦૧,૦૦૦ને પાર : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટ્યું પણ ચાંદીમાં જોરદાર તેજી

નવી દિલ્હી : કિંમતી ધાતુઓના બજારમાં આજે ચાંદીએ ઇતિહાસ રચ્યો છે, જ્યારે સોનાના ભાવ પણ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદીના ભાવ ₹૧,૦૪,૧૦૦ પ્રતિ કિલોગ્રામના અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીને સ્પર્શી ગયા છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું હતું કે, ચાંદીના ભાવમાં સતત ચોથા સત્રમાં તેજી જળવાઈ રહી હતી.
દિલ્હી બજારમાં ભાવ:
આજે ચાંદીના ભાવમાં ₹૨,૦૦૦ નો ઉછાળો નોંધાતા તે ₹૧,૦૪,૧૦૦ પ્રતિ કિલોની નવી સપાટીએ પહોંચી ગઈ છે. બીજી તરફ, સોનાના ૧૦ ગ્રામ દીઠ ભાવ ₹૪૩૦ વધીને ₹૯૯,૬૯૦ થયો છે. જ્યારે દિલ્હી ખાતે ૯૯.૫ શુદ્ધતાના સોનાના ભાવ ₹૪૦૦ વધીને ₹૯૯,૧૦૦ રહ્યા હતા.
અમદાવાદમાં પણ તેજી:
સ્થાનિક બજાર અમદાવાદમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. અમદાવાદમાં ચાંદીનો કિલો દીઠ ભાવ ₹૩,૫૦૦ ઉછળીને ₹૧,૦૩,૦૦૦ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં ૯૯.૯ શુદ્ધતાના સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ₹૧,૩૦૦ ઉછળીને ₹૧,૦૧,૦૦૦ થઈ ગયો છે. સ્ટાન્ડર્ડ સોનું (૯૯.૫) પણ ₹૧,૩૦૦ વધીને ₹૧,૦૦,૭૦૦ની સપાટીએ પહોંચ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ:
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ દીઠ ભાવ ૬ ડોલર ઘટીને ૩,૩૬૮ ડોલર થયા છે. જોકે, ચાંદીનો ઔંસ દીઠ ભાવ ૧.૩૩ ડોલર એટલે કે ૩.૮૪ ટકાના જોરદાર વધારા સાથે ૩૫.૮૪ ડોલર થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીમાં જોવા મળેલી તેજીની અસર સ્થાનિક બજારો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
સોના-ચાંદીના ભાવમાં આટલો મોટો ઉછાળો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ફુગાવાની ચિંતા અને સુરક્ષિત રોકાણની માંગને કારણે હોવાનું મનાઈ રહ્યું છે. આગામી સમયમાં આ કિંમતી ધાતુઓના ભાવ કઈ દિશામાં જશે તે જોવું રસપ્રદ રહેશે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
