News of Friday, 6th June 2025
કારીગર બનાવવાના નામે બાળકોને બંગાળથી રાજકોટ લાવી ગોંધી રાખી કાળી મજૂરી કરાવાતી હતીઃ શારીરિક શોષણ? જુઓ વિડિઓ
રાજકોટ મજૂરીમાં જોતરી દેવાયેલા બાળકો પૈકીનો એક ભાગીને બંગાળ પહોંચ્યો અને પોતાની સાથે બળજબરી આચરાયાની અને બીજા ૨૦ને ગોંધી રખાયાનું કહેતાં બંગાળ પોલીસે ગુનો નોંધ્યો હતોઃ એ દરમિયાન રાજકોટ શહેર એસઓજીએ મોરબી રોડ બેડી ચોકડીના ગોપાલ પાર્કમાં ત્રાટકી ગોંધી રખાયેલા ૧૯ મજૂરોને મુક્ત કરાવ્યાઃ જેમાં ૧૧ જેટલા સગીર : બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની ડ્રાઇવ દરમિયાન શહેર એસઓજીને માહિતી મળતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં : પીઆઇ એન. વી. હરિયાણી અને ટીમે કાર્યવાહી કરીઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગના બી. એમ. ઝણકાત પણ તપાસમાં સામેલ : બાળકોના શરીર પર મારના નિશાનઃ તબિબી પરિક્ષણ કરાવાયું: મુળ બંગાળના આજમાત મોૈલા સહિતની સામે ગુનો નોંધવા કાર્યવાહીઃ બંગાળ પોલીસની ટીમ પણ રાજકોટ પહોંચીઃ રાજકોટ પોલીસ ધરપકડની કાર્યવાહી કરશે પછી બંગાળ પોલીસ કબ્જો લેશે

મુળ બંગાળના ૧૯ બાળકોને મોરબી રોડ બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીના મકાનમાં બંગાળી મુસ્લિમ શખ્સ અજમાત મોૈલાએ ગોંધી રાખ્યાની માહિતીને પગલે રાતે શહેર એસઓજી પીઆઇ એન. વી. હરિયાણી, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, કિશોરભાઇ ઘૂઘલ, અમિતભાઇ ટુંડીયા અને ટીમ તેમજ એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, પીઆઇ એસ. એસ. રાણે, પીઆઇ બી. એમ. ઝણકાત સહિતના પણ પહોંચ્યા હતાં અને બાળકોની પુછતાછ કરતાં ચોંકાવનારી હકિકત સામે આવી હતી. આ બાળકોને બંગાળથી રાજકોટ લાવી મજૂરી કરાવી, સીતમ ગુજારનાર આજમત મોૈલા તેના મોરબી રોડ રાજનગરના ઘરેથી પલાયન થઇ ગયો હતો. તેને પણ રાતોરાત શોધી કઢાયો હતો. તેના સહિતના વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૬: શહેરમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને પકડી લેવાના પોલીસના લાંબા સમયથી ચાલી રહેલા અભિયાન દરમિયાન શહેર એસઓજીને મળેલી મહત્વની માહિતીને આધારે ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઇમની રાહબરીમાં ટીમે બેડી ચોકડી પાસેના મોરબી રોડ નજીક ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાં ત્રાટકી ત્યાં ગોંધી રખાયેલા ૧૯ મજૂરોને મુક્ત કરાવ્યા હતાં. જેમાં ૧૧ જેટલા સગીર વયના હતાં. બંગાળના આ મજૂરોને રાજકોટમાં ઇમિટેશનના સારા કારીગર બનાવવાના નામે તેના પરિવાર પાસેથી મુળ બંગાળનો મુસ્લિમ શખ્સ રાજકોટ લાવ્યો હતો. તે અહિ તેની પાસે ઇમિટેશનની કાળી મજૂરી કરાવતો હતો અને શારીરિક જુલમ ગુજારતો હતો. એકાદ બે બાળકોનું શારીરિક શોષણ પણ થયાની શક્યતા પણ નકારી શકાતી નથી. તબિબી પરિક્ષણ બાદ આ અંગે સ્પષ્ટતા થશે. બનાવને પગલે બંગાળ પોલીસ પણ તપાસ માટે રાજકોટ આવી પહોંચી હતી.
મોરી રોડની ગોપાલ રેસીડેન્સીમાં નાના બાળકોને ગોંધી રાખી તેની પાસે શખ્સ મજૂરીકામ કરાવતો હોવાની માહિતીને એસઓજી પીઆઇ એન. વી. હરિયાણી, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, કિશોરભાઇ ઘૂઘલ, અમિતભાઇ ટુંડીયા સહિતે દરોડો પાડયો હતો. મકાનમાં ૧૯ જેટલા બાળ મજૂરો હોઇ ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી બસીયા, બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ બી. એમ. ઝણકાટ સહિતના પણ પહોંચ્યા હતાં.
બેડી ચોકડી નજીક આવેલા ગોપાલ રેસિડેન્સી શેરી નંબર ૧માં આવેલા બ્લોકનંબર જી-૩૩માંથી જે ૧૯ બાળકો મળ્યા તેમાં ં ૨ બાળકની ઉંમર ૧૪ વર્ષથી પણ ઓછી હતી, જ્યારે ૫ બાળકની ઉંમર ૧૮ વર્ષ તેમજ એકની ઉંમર ૧૯ વર્ષ અને ૨૩ વર્ષ હતી, જ્યારે ૧૧ બાળકની ઉંમર ૧૪થી ૧૭ વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. બાળકોના શરીર પર માર મરાયો હોય તેવા ઇજાના નિશાન દેખાતાં તમામનું તબિબી પરિક્ષણ કરાયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મુળ બંગાળનો મુસ્લિમ આજમત મોૈલા હપાન મોૈલા વર્ષોથી રાજકોટમાં રહે છે. આ શખ્સ મોરબી રોડ પર રાજનગરમાં રહે છે અને ત્યાં જ ઇમિટેશનનું કારખાનુ ચલાવે છે. તેનો એક ભાઇ રામનાથપરા વિસ્તારમાં રહે છે. શહેર પોલીસ ખાસ કરીને એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમો એકાદ મહિનાથી બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરોને પકડવા કાર્યરત હતી તે દરમિયાન માહિતી મળી હતી કે બંગાળના બાળકાને તેના વાલીઓ પાસેથી કારીગર બનાવી દેવાના બહાને રાજકોટ લાવવામાં આવ્યા છે અને આજમત મોૈલા નામનો શખ્સ આ બાળકો પાસે કાળી મજુરી કરાવે છે તેમજ તેના પર સીતમ ગુજારે છે. બીજી તરફ બંગાળ પોલીસ પણ આજમત મોૈલાને શોધતી હોવાનું જાણવા મળ્યું હતું.
માહિતી પરથી એસઓજી, ક્રાઇમ બ્રાંચની ટીમો રામનાથપરા-હાથીખાના વિસ્તાર તેમજ મોરબી રોડ રાજનગરમાં ત્રાટકી હતી. જો કે રાજનગરમાં રહેતો આજમત મોૈલા તેના ઘરેથી નીકળી ગયો હતો. તેમજ ત્યાં ઇમિટેશનના કારખાનામાં જે બાળકો પાસે મજૂરી કરાવાતી હતી તે બાળકો પણ ગાયબ હતાં. આથી પોલીસે આ શખ્સના ભાઇને રામનાથપરા વિસ્તારમાંથી ઉઠાવી લઇ વિશેષ પુછતાછ કરતાં બાળકોને બેડી ચોકડી પાસે ગોપાલ પાર્કના મકાનમાં છુપાવાયાનું જાણવા મળતાં પોલીસ ત્યાં ત્રાટકી હતી. બીજી તરફ બગાળથી વર્ધમાન પોલીસની ટૂકડી પણ રાજકોટ આવી પહોંચી હતી. મુખ્ય આરોપી આજમત મોૈલા જે રાજકોટથી ભાગી નીકળ્યો હતો તેને પણ શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચની ટીમોએ રાતોરાત સકંજામાં લઇ લીધો હતો.
આજમત મોૈલા વર્ષોથી રાજકોટ રહે છે. તે બંગાળના ગરીબ પરિવારોના બાળકોને રાજકોટમાં ઇમિટેશનના કારીગર બનાવી દેવાના નામે રાજકોટ લાવતો હતો અને પોતાના કારખાનામાં કાળી મજૂરી કરાવતો હતો. તે પુરતુ જમવા પણ આપતો નહોતો. વળી આ મજૂરોને આપવાના પૈસા તેના માતા-પિતાને મોકલી આપ્યા છે તેવું દર મહિને કહી દેતો હતો. આ શખ્સ બાળ મજૂરોને બેફામ મારકુટ કરી સિતમ ગુજારતો હતો. વિકૃતતાની હદ વટાવી દેતો હોવાની ફરિયાદ પણ મુક્ત થયેલા બાળકો પાસેથી મળી રહી છે. એકાદ બે બાળકો હવસખોરીનો શિકાર બન્યાની પણ શક્યતા હોઇ પોલીસે તબિબી પરિક્ષણ કરાવ્યા છે. રાજકોટ પોલીસ અલગથી ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી કરશે. બાદમાં બંગાળ પોલીસ કબ્જો લેશે તેમ જાણવા મળ્યું છે. (૧૪.૧૦ા
બાળકોની હાલત જોઇ પોલીસ અધિકારીઓ
પણ હચમચી ગયાઃ બાળકો ભુખ્યા
હતાં, પુરતા કપડા પણ નહોતાં
પોલીસે ભરપેટ ભોજન કરાવી કપડા અપાવ્યાઃ એસીપી ભરત બી. બસીયાએ કહ્યું-બાળકોને મારકુટ થયાનો તબિબી અભિપ્રાય આવ્યોઃ ગુનો નોંધવા તજવીજ
રાજકોટઃ શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચે ગોંધી રખાયેલા બાળકોને મુક્ત કરાવ્યા ત્યારે તેની હાલત જોઇને પોલીસ અધિકારીઓ પણ હચમચી ગયા હતાં. બાળકોની હાલત અત્યંત દયનીય હતી. તેના શરીરે પુરતા કપડા પણ નહોતાં. બાળકોને ભુખ્યા હતાં. પોલીસે તેમને ભરપેટ ભોજન કરાવ્યું હતું અને કપડા અપાવ્યા હતાં. શરીર પર મારના નિશાનો હોઇ તુરત જ બાળકોનું તબિબી પરિક્ષણ કરાવાયું હતું. જેમાં બાળકોને માર મારવામાં આવ્યાનું સ્પષ્ટ થયું હોઇ આજમત મોૈલા સહિતની સામે ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી રહી હોવાનું એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાએ જણાવ્યું હતું.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
