<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પતિની ક્રુરતાઃ પરિણીતાના શરીર પર માર્કરથી અશ્‍લીલ ચિત્રો દોરી કરતો અકુદરતી માંગણીઓ

પતિ અવારનવાર પરિણીતાને કહેતો કે, તને સંબંધ બાંધતા નથી આવડતુ તારે બોયફ્રેન્‍ડ બનાવીને શીખીને આવવાનું હતું તેમ કહીને પોર્ન વીડિયો જોઇને શીખવાની નિમ્‍ન કક્ષાની વાત કરતો હતો

 

અમદાવાદ તા.૬: પતિ પત્‍નીનો ઘણો જ આઘાતજનક કિસ્‍સો પ્રકાસમાં આવ્‍યો છે. શહેરના જગતપુરમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા એસજી હાઇવે પરની એક કંપનીમાં સીનીયર કન્‍સલટન્‍ટ છે. મહિલાએ વર્ષ ૨૦૨૧માં જુનાગઢના યુવક સાથે સગાઇ કરી હતી. જોકે, સગાઈ બાદ જ પતિ અને સાસરિયાઓએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું હતુ. લગ્ન બાદ તો પતિએ હદ પાર કરીને પોર્ન વીડિયો બતાવતો અને તે પ્રમાણે જ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં પતિ પરિણીતાના શરીર પર માર્કરથી અશ્‍લીલ ચિત્રો બનાવીને અશ્‍લીલ અને અકુદરતી માંગણીઓ કરતો હતો. જેથી કંટાણીને પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સાસરિયાઓને કરવા હતા જયપુર પેલેસમાં લગ્ન!

મહિલાની વર્ષ ૨૦૨૧માં જુનાગઢના યુવાન સાથે સગાઈ થઈ હતી. જે બાદ મંગેતર મહિલાને આખા દિવસ દરમિયાનનું શિડ્‍યુલ બનાવીને મોકલવા ફરજ પાડતો હતો. મંગેતરે લિવ ઇનમાં રહેવા પણ ઓફર કરી હતી. તો બીજી બાજુ યુવતીના સાસરિયાઓએ જયપુર પેલેસમાં લગ્ન કરવા માટે ૪૦ લાખની માંગણી કરી હતી. મંગેતર પાયલોટ હોવાથી કતાર જવા માટે વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા અને બાદમાં સામાજીક રીતે લગ્ન કર્યા હતા.

ઘર લેવા માટે પરિણીતાના પિતા પાસે રૂપિયાની માંગણી

લગ્ન બાદ પરિણીતા ઓછું કરિયાવર લાવી હોવાનું કહીને સાસુએ બધા દાગીના અને રોકડ રકમ લઇ લીધી હતી. આટલું જ નહિ, ત્રણ વર્ષ સુધી પિયર ન જવા માટે ત્રાસ આપતા હતા. સાસરિયાઓ પરિણીતાના પતિની મિત્રો સાથે સરખામણી કરીને અપમાન કરતા હતા. લગ્નના ૧૦ દિવસ બાદ પતિ કતાર ગયો હતો. પરિણીતાને પણ કતાર જવાનું હોવાથી તે પિયરમાં આવી હતી. ત્‍યારે પતિએ પિયરમાં ન રોકાવાનું કહીને નણંદના ત્‍યાં મોકલી દીધી હતી. નણંદ અને તેના પતિએ પરિણીતાના પિતાને વધુ દહેજ આપશો તો જ કતારની ટિકીટ આપીશુ તેમ કહીને કોરા ચેક લઇ લીધા હતા. પરિણીતા કતાર ગઇ ત્‍યારે પતિએ અમદાવાદમાં ફ્‌લેટ લેવા માટે પિતા પાસે નાણાં માંગવા કહીને ત્રાસ આપ્‍યો હતો. સાથે જ બે લાખ પગાર અને ત્રણ કલાકનું કામ હોય તેવી નોકરી શોધવા દબાણ કર્યુ હતું.

તારે તો બોયફ્રેન્‍ડ રાખવો જોઈતો હતો...

પરિણીતાને પતિ તને સંબંધ બાંધતા નથી આવડતુ તારે બોયફ્રેન્‍ડ બનાવીને શીખીને આવવાનું હતું તેમ કહીને પોર્ન વીડિયો જોઇને શીખવાની નિમ્‍ન કક્ષાની વાત કરતો હતો. પતિ અવાર નવાર પોર્ન વીડિયો માફક સંબંધ બાંધવા ફરજ પાડતો હતો. પરિણીતા મનાઇ કરે તો નખથી ઇજાઓ કરતો અને માર મારીને કેટલીક દવાઓ લઇને સંબંધ બાંધતો હતો. પરિણીતાના શરીર પર માર્કરથી અશ્‍લીલ ચિત્રો બનાવીને અશ્‍લીલ અને અકુદરતી માંગણીઓ કરતો હતો.

એકસાથે ખવડાવતા ૨૭ દવાઓ

સાસુએ ધાર્મિક શ્રધ્‍ધાને ઠેસ પહોંચાડીને તાંત્રિક વિધીમાં માનીને દબાણપુર્વક ભસ્‍મ અને સાકર ખવડાવી તાવીજ પહેરાવ્‍યુ હતું. પુત્ર જન્‍મે તે માટે નણંદ કેવી રીતે સંબંધ બાંધવા તેવું બતાવીને દવાઓ ખવડાવતી હતી. પરિણીતાને એક જ વારમાં ૨૭ દવાઓ ખવડાવી ઉપવાસ રખાવતા તેની તબિયત લથડી હતી. જે બાદ ડિવોર્સ આપી દે નહિ તો નગ્ન ફોટો વાયરલ કરીને ખોટા કેસમાં ફસાવી ડીપેન્‍ડેબલ વિઝા કેન્‍સલ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. આખરે કંટાળીને પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(૩૮.૯)

(9:41 AM IST)