<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રિક્ષાવાળો દર મહિને કમાય છે ૮ લાખ રૂપિયા, એ પણ રિક્ષા ચલાવ્‍યા વગર!

ઓટો ડ્રાઈવરની સ્‍ટોરી આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

 

મુંબઈ તા.૬: મુંબઈ ની રિક્ષાએ શહેરની જીવાદોરી સમાન છે. શહેરમાં લાખો રિક્ષા વાળા છે અને તેમના કારણે જ મુંબઈકર્સનું જીવન સરળ બની રહે છે. જોકે, મોટાભાગના લોકો આ નોકરીને એક સરળ કામ માને છે અને વિચારે છે કે રિક્ષા ચલાવવાથી વધારે કમાણી થતી નથી, પરંતુ મુંબઈના એક રિક્ષા ડ્રાઈવર વિશે જાણીને તમે ચોક્કસ આヘર્યચકિત થઈ જશો. મુંબઈનો આ રિક્ષાવાળો રિક્ષા ચલાવ્‍યા વિના દર મહિને ૫થી ૮ લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. આ ઓટો ડ્રાઈવરની વાર્તા આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

લેન્‍સકાર્ટ ના પ્રોડક્‍ટ લીડર રાહુલ રૂપાણીએ લિંક્‍ડઇન પર એક પોસ્‍ટ શેર કરી છે, જેમાં તેમણે આ રિક્ષા ડ્રાઈવરની વાર્તા કહી છે. તેમણે જણાવ્‍યું કે કેવી રીતે મુંબઈનો એક રિક્ષા ડ્રાઈવર પોતાની બુદ્ધિમત્તાથી દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. પોસ્‍ટમાં તેમણે જણાવ્‍યું કે, આ રિક્ષા ડ્રાઈવર મુંબઈમાં યુએસ કોન્‍સ્‍યુલેટની બહાર ઉભો રહીને પોતાનું ગુજરાન ચલાવે છે.

રાહુલ રૂપાણીએ જણાવ્‍યું કે, જ્‍યારે તેઓ વિઝા એપોઇન્‍ટમેન્‍ટ માટે યુએસ કોન્‍સ્‍યુલેટ પહોંચ્‍યા ત્‍યારે તેમને ખબર પડી કે તેઓ કોઈ બેગ અંદર લઈ જઈ શકતા નથી. બીજી તરફ, સામાન રાખવા માટે કોઈ લોકરની સુવિધા નથી. તે જ સમયે, એક રિક્ષા ડ્રાઈવરે તેમને કહ્યું, ‘સાહેબ, મને તમારી બેગ આપો. હું તેને સુરક્ષિત રાખીશ, તે મારું દૈનિક ભાડું છે. ચાર્જ ૧૦૦૦ રુપિયા છે.'

આ રિક્ષા ડ્રાઈવર દરરોજ એક જ કામ કરે છે અને યુએસ કોન્‍સ્‍યુલેટની બહાર દરરોજ લોકોના સામાનને સુરક્ષિત રાખે છે અને તેમની પાસેથી ૧૦૦૦ રૂપિયા વસૂલ કરે છે. આ ઓટો ડ્રાઈવરને દરરોજ ૨૦ થી ૨૦ ગ્રાહકો મળે છે અને આમ તે દરરોજ ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયા એટલે કે મહિને ૫થી ૮ લાખ રૂપિયા કમાય છે.

આ રિક્ષા ડ્રાઈવરે એક સ્‍થાનિક પોલીસ અધિકારી સાથે ભાગીદારી કરી છે, જ્‍યાં તે સામાન લોકરમાં સુરક્ષિત રાખે છે. રાહુલે પોતાની પોસ્‍ટમાં આગળ લખ્‍યું છે કે, ‘આ વાસ્‍તવિક ઉદ્યોગસાહસિકતા છે. કોઈ પિચ ડેક નહીં, કોઈ સ્‍ટાર્ટઅપ બકવાસ નહીં, ફક્‍ત એક યોગ્‍ય સ્‍થાન, એક સાચો વિચાર અને થોડો વિશ્વાસ.' રાહુલે તેને ‘માસ્‍ટર ક્‍લાસ ઇન સ્‍ટ્રીટ બિઝનેસ' પણ ગણાવ્‍યો.

કેટલું સરળ છે! આ રિક્ષા ડ્રાઈવર કોઈપણ રીતના ઈનવેસ્‍ટમેન્‍ટ વગર ધંધો કરે છે અને મહિને લાખો રુપિયાની કમાણી કરે છે. એક રિક્ષા ડ્રાઈવરે ચૂપચાપ એક એવો વ્‍યવસાય શરૂ કર્યો છે જેનાથી તે દર મહિને ૫થી ૮ લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. આヘર્યજનક વાત એ છે કે તે એક પણ કિલોમીટર રિક્ષા ચલાવ્‍યા વિના આ બધું કરી રહ્યો છે. તે ફક્‍ત એક જ જગ્‍યાએ ઉભો રહે છે અને તેની આવક વધતી રહે છે.

આ અનોખો વ્‍યવસાય વિઝા માટે અરજી કરવા માટે યુએસ એમ્‍બેસીની મુલાકાત લેનારા લોકોની સમસ્‍યાથી શરૂ થયો હતો. દરરોજ ઘણા લોકો ત્‍યાં આવે છે, પરંતુ તેમને એક સમસ્‍યાનો સામનો કરવો પડે છે. તેમને એમ્‍બેસીની અંદર તેમની બેગ લઈ જવાની મંજૂરી નથી. નજીકમાં કોઈ સત્તાવાર લોકરની સુવિધા પણ નથી. તેથી, લોકોના મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો, ઇલેક્‍ટ્રોનિક્‍સ અથવા વ્‍યક્‍તિગત સામાન રાખવામાં મુશ્‍કેલી પડે છે. આ સમસ્‍યાને એક રિક્ષા ડ્રાઈવરે તકમાં ફેરવી દીધી. મોટાભાગના લોકો તેને ફક્‍ત એક સમસ્‍યા માનતા હતા, પરંતુ તેને તેમાં એક તક દેખાઈ. તેણે લોકોની જરૂરિયાતો સમજી અને એક સરળ સેવા શરૂ કરી. હવે તે લાખોમાં કમાણી કરે છે.(૩૮.૨)

(9:43 AM IST)